મૌર્ય શાસનકાળ  (ઈ.સ. પૂર્વે 322 – ઈ.સ. પૂર્વે 185)

ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. આ અગાઉનો ગુજરાતનો ઈતિહાસ પ્રમાણિત કહી શકાય તેવી કક્ષામાં મૂકી શકાય તેમ નથી. કારણ કે પ્રાપ્ય અવશેષો કે અશ્મિઓના આધારે અનુમાન કરીને તે લખવામાં આવ્યો છે. જો સિંધુ સભ્યતાની લિપિ ઉકેલાય તો કદાચ તેમાંથી કંઈક જુદાં જ રહસ્યો બહાર આવી શકે તેમ છે. તે અગાઉનો આદ્યઐતિહાસિક કાળનો ઈતિહાસ પણ પુરાણો પર આધારિત છે અને તે અતિશયોક્તિપૂર્ણ વર્ણનોથી ભરપૂર કૃતિઓ છે. પરંતુ મૌર્યકાળથી લખાયેલ ગુજરાતના ઈતિહાસ માટે પૂરતાં પ્રમાણો પ્રાપ્ત છે અને તેના આધારે તે લખવામાં આવ્યો છે. મૌર્યકાળના બિંબટંક/આહત સિક્કા મળી આવ્યા છે, જેના પર કોઈ પણ પ્રકારનું લખાણ જોવા મળતું નથી.

જૂનાગઢનો શિલાલેખ

જૂનાગઢનો શિલાલેખ એ અશોક(ઈ.સ. પૂર્વે 293 – ઈ.સ. પૂર્વે 237)ના શિલાલેખો પૈકીનો ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક મળી આવેલ શિલાલેખ છે. આ લિપિ જેમ્સ પ્રિન્સેપ નામના જર્મન વિદ્વાને ઉકેલી છે. આ લેખમાં ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ.સ. પૂર્વે 322-298), રૂદ્રદામા અને સ્કંદગુપ્તની વિગતો આપેલી છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયનું વર્ણન પ્રાકૃત ભાષામાં છે, જ્યારે રૂદ્રદામા અને સ્કંદગુપ્તનું વર્ણન સંસ્કૃત ભાષામાં છે. ચંદ્રગુપ્તના સમયની વિગતો બ્રાહ્મી લિપિમાં લખાયેલ છે, જ્યારે રૂદ્રદામા અને સ્કંદગુપ્તના સમયની વિગતો દેવનાગરી લિપિમાં લખાયેલ છે. આ શિલાલેખની વિગતો મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સૂબા પુષ્પગુપ્તે સુવર્ણસિક્તા(સોનરેખા) નદી પર બંધ બાંધીને ગિરિનગરનું સુદર્શન તળાવ બંધાવ્યુ હતું. ત્યારબાદ અશોકના ગ્રીક(યવન) સૂબા તુષાસ્ફે આ તળાવમાંથી નહેરો કઢાવી હતી. શક-ક્ષત્રપ રાજા રૂદ્રદામાના સૂબા સુવિશાખે ઈ.સ. 150માં અતિવર્ષાને કારણે તૂટી ગયેલ આ તળાવને ફરી બંધાવ્યુ હતું. ઈ.સ. 455માં સ્કંદગુપ્તના સૂબા પર્ણદત્ત અને તેના પુત્ર ચક્રપાલિતે સોનરેખા અને તેની શાખા નદીઓ જેવી કે પલાશિની વગેરેના પૂરને કારણે તૂટેલ સુદર્શન તળાવને ઈ.સ. 456માં ફરી બંધાવ્યુ હતું અને તેની પાળ પર ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવ્યુ હતું.

સમ્રાટ અશોકની ચૌદ ધર્મ આજ્ઞાઓ દર્શાવતો એક અન્ય શિલાલેખ પણ ગિરનારની તળેટીમાં મળી આવ્યો છે, જે પાલી ભાષામાં લખાયેલો છે.

જૈનગ્રંથો મુજબ અશોકના પૌત્ર સંપ્રતિનું શાસન પણ ગુજરાતમાં હતું. તેણે ગુજરાતમાં જિનાલયોનું નિર્માણ કરાવેલું એવી જૈન અનુશ્રુતિઓ છે.

અનુમૌર્યકાળ (ઈ.સ. પૂર્વે 185 – ઈ.સ. 33)

ગંધારમાં સત્તારૂઢ થયેલા ભારતીય યવન રાજઓ પૈકી એઉક્રતિદ, મિનન્દર અને અલપદત્ત બીજાના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી પ્રાપ્ત થયા છે. ‘પેરિપ્લસ’ (ઈ.સ. 70-80) કૃતિમાં જણાવ્યા મુજબ મિનન્દર અને અલપદત્ત બીજાના સિક્કા ભરૂચમાં પહેલી સદીમાં પણ પ્રચલિત હતા.

લાટના રાજા બલમિત્રે અર્થાત વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં શકોનું શાસન હટાવીને ત્યાં માલવગણ (વિક્રમ) સંવત પ્રવર્તાવ્યો એવી એક જૈન અનુશ્રુતિ છે.

પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ 

ક્રમ વંશ વિસ્તાર
1 સૈધવ વંશ ઘુમલી(જિ. જૂનાગઢ)
2 ચાપ વંશ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)
3 ચાલુક્ય વંશ નવસારી
4 રાષ્ટ્રકુટ વંશ માન્યખેટ (જિ.ગુલબર્ગ, કર્ણાટક)
5 ચાવડા વંશ પંચાસર (જિ.પાટણ)
6 ગૂર્જર પ્રતિહાર વંશ ભિન્નમાલ(રાજસ્થાન) 
7 ચાહમાન વંશ અંકલેશ્વર (જિ. ભરૂચ)
8 મૈત્રક વંશ વલભી (જિ. ભાવનગર)
9 ગારુલક વંશ ઢાંક (જિ. રાજકોટ)
10 ત્રૈકુટક વંશ

અપરાંત પ્રદેશ

(તાપીની દક્ષિણનો પ્રદેશ)

11 કટચ્યુરી વંશ ભૃગુકચ્છ (ભરૂચ)
12 ગૂર્જર નૃપતિ વંશ નાન્દીપુર (ભરૂચ) 
13 સેન્દ્રક વંશ તાપીનો તટપ્રદેશ

 

ઈ.સ. ૪૧૫ ત્રૈકૂટક રાજાઓ

       ગુજરાતમાં જયારે ગુપ્ત રાજવંશના મગધના સમ્રાટોનું શાસન હતું, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઈ.૪૧૫ થી ૪૭૦નાં વર્ષોમાં ત્રૈકૂટક નામે રાજવંશની સત્તા રહી. ઉત્તર કોંકણના અપરાંતમાં આવેલા ત્રિકૂટક પ્રદેશના વાસી હોવાથી તેઓ ત્રૈકૂટક કહેવાયા.

 મૈત્રક વંશ :- (470-788) 

મૈત્રક વંશના મુખ્ય રાજવીઓ

  1. ભટ્ટાર્ક (સેનાપતિ) (470-493)
  2. ધરસેન પહેલો (સેનાપતિ) (493-500)
  3. દ્રોણસિંહ (મહારાજા) (500-519)
  4. ધરસેન બીજો (વલભી વિધાપીઠનો સ્થાપક) (569-599)
  5. શિલાદિત્ય પહેલો (ધર્માદિત્ય) (599-614)
  6. ધ્રુવસેન બીજો (બાલાદિત્ય) (629-642)
  7. ધરસેન ચોથો (644-651)
  8. શિલાદિત્ય સાતમો (765-776)
  9. શિલાદિત્ય આઠમો (794-830)

                 ઈ.સ. 470માં વલભીમાં મૈત્રકવંશની સ્થાપના કરનાર સેનાપતિ ભટ્ટાર્કે (ઈ.સ. 470-493) ગુજરાતને મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી મુક્ત કરી સ્વતંત્ર શાસનની શરૂઆત કરેલ હોઈ તેને ગુજરાતનો પ્રથમ ઈતિહાસ પુરૂષ કહેવામાં આવે છે. તેની રાજધાની વલભી હતી. તેનુ મૃત્યુ ઈ.સ. 493ની આસપાસ થયું હતું. ભટ્ટાર્ક બાદ ધરસેન પહેલો (ઈ.સ. 493-500) વલભીની ગાદીએ આવ્યો. તેણે પણ ભટ્ટાર્કની જેમ સેનાપતિનું બિરુદ જ ધારણ કર્યુ હતું. ત્યારબાદ દ્રોણસિંહ વલભીનો શાસક બન્યો. તેણે અગાઉના વંશજોથી તદ્દન વિરુદ્ધ મહારાજાનું બિરુદ ધારણ કર્યું. મૈત્રક વંશમાં મહારાજાનું બિરુદ ધારણ કરનાર તે પ્રથમ શાસક હતો. ધ્રુવસેન બીજાના (629-642) શાસનકાળ દરમ્યાન ઈ.સ. 640માં ગુજરાતની મુલાકાતે આવનાર હ્યુ એન ત્સાંગે (ઈ.સ. 629 થી 645 દરમ્યાન તે ભારતમાં રહ્યો હતો) વલભીને એક બંદર તરીકે ઓળખાવ્યું છે. વલભીની મુલાકાતે જતાં પહેલાં હ્યુ એન ત્સાંગ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી ગામેથી પસાર થયો હોય એમ પણ માનવામાં આવે છે. તેણે વડનગરની પણ મુલાકાત લીધી હતી એ બાબત તેની પ્રવાસ નોંધમાંથી જાણવા મળે છે. આ ધ્રુવસેન બીજો ‘બાલાદિત્ય’ તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આવનાર ઈત્સિંગે પોતાની નોંધમાં ભારતમાં બે મોટી વિદ્યાપીઠો છે એવી રજૂઆત કરી હતી. તેમાં નાલંદા અને વલભીનો સમાવેશ થતો હતો. રાજા ધરસેન બીજાના (ઈ.સ. 569-599) સમયમાં અહીં વલભી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ધરસેન ચોથો (644-651) આ વંશનો ચક્રવર્તી રાજા હતો. તેણે પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવાં બિરુદ ધારણ કર્યાં હતાં. મૈત્રકવંશનો રાજા શિલાદિત્ય પ્રથમ (ઈ.સ. 599-614) ‘ધર્માદિત્ય’ તરીકે ઓળખાતો હતો. ઈ.સ. 776માં સિંધના અરબી સરદાર હાકેમ દ્વારા વલભી પર આક્રમણ કરવામાં આવેલ. તે સમયે રાજા શિલાદિત્ય સાતમો મરાયો અને આરબોએ વલભીને લૂંટ્યું હતું. જો કે મૈત્રક વંશ ઈ.સ. 788માં અસ્ત પામ્યો. કવિ ભટ્ટીએ રાવણવધ નામે મહાકાવ્યની રચના વલભીમાં જ કરી હતી. મૈત્રકકાળ દરમ્યાન ગૂર્જરદેશમાં ચાપવંશનું શાસન હતું.

 પુલકેશી બીજો : (ઈ.સ. 610 –ઈ.સ. 642)

ચાલુક્ય વંશમાં પુલકેશી બીજાએ આશરે 32 વર્ષ રાજ્ય કર્યું. આ રાજા ઘણો પ્રતાપી અને બહાદુર યોદ્ધો હતો. તેણે અનેક લડાઈઓ જીતી હતી. તેણે પ્રથમ લાટ (દક્ષિણ ગુજરાત) અને પછી ગૂર્જર પ્રદેશ (ઉત્તર ગુજરાત) પર જીત મેળવી હતી.  રાજધાની વાતાપીને તેણે સુંદર નગરી બનાવી હતી. વાતાપી કર્ણાટકના બગલકોટ જિલ્લામાં આવેલું છે અને હાલમાં તે બદામી તરીકે ઓળખાય છે અને જિલ્લાનું તાલુકા મથક છે. પુલકેશી બીજો માળવા, લાટ (ભરૂચ) અને ગૂર્જર રાજાનો સમ્રાટ હતો એવો એક શિલાલેખ ઈ.સ. 634નો બીજાપુર નજીકના ગામમાંથી મળી આવ્યો છે. આ વંશનો અંતિમ રાજા વિજયરાજ હતો. ઈ.સ. 740માં રાષ્ટ્રકૂટોએ તેમની પાસેથી સત્તા લઈ લીધી હતી.  

 ચાવડા વંશ :- (ઈ.સ. 746 થી ઈ.સ. 942)

ભિન્નમાલમાં ગૂર્જરપ્રતિહાર વંશનું શાસન હતું. તેનો પ્રથમ રાજા નાગભટ્ટ પ્રથમ હતો. ઈ.સ. 750ની આસપાસ રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે દક્ષિણ ગુજરાત પર અને આ ગૂર્જર-પ્રતિહાર રાજા નાગભટ્ટ પ્રથમે ઈ.સ. 757ની આસપાસ ભરૂચના ઉત્તર ભાગ પર પોતાની સત્તા સ્થાપી હતી. ઉત્તર ગુજરાતમાં ગૂર્જર પ્રતિહાર વંશનો અંત આવતાં ચાવડા વંશનું શાસન સ્થપાયું. આ ચાવડાઓ ચાપકૂળના હતા. તેમના માટે ‘ચાપોત્કટ’ શબ્દપ્રયોગ પણ કરવામાં આવેલ છે. તેનુ અપભ્રંશ ચાવડા થયેલ છે. વનરાજના પિતા જયશિખરીનો ઉલ્લેખ કૃષ્ણકવિની હિન્દી કૃતિ ‘રત્નમાલા’માં છે. પાટણના રાધનપુર પાસે પંચાસરમાં વનરાજ ચાવડાના પિતા જયશિખરીનું શાસન હતું. કનોજના રાજા ભૂવડને આ રાજ્યની સમૃદ્ધિની જાણ થઈ. તેણે સરદાર મિહિરને પંચાસર લૂંટવા માટે મોકલ્યો. પરંતુ જયશિખરીના સાળા શૂરપાળે તેને હરાવ્યો. મિહિરની હાર થતાં ભૂવડે પોતે મોટા સૈન્ય સાથે આક્રમણ કર્યું. તેણે કિલ્લાનો ઘેરો ઘાલ્યો. આ કિલ્લેબંધી 52 દિવસ ચાલી. આખરે યુદ્ધ સિવાય અન્ય કોઈ ઉપાય ન હોવાથી જયશિખરીએ રાણી રૂપસુંદરી અને સાળા શૂરપાળને વનમાં મોકલી દીધાં અને પોતે યુદ્ધે ચડવાનો નિર્ણય કર્યો. આ યુદ્ધમાં તે મૃત્યુ પામ્યો. રાણી રૂપસુંદરીએ વનમાં બાળકને જન્મ આપ્યો. તેનુ નામ વનરાજ પાડવામાં આવ્યું. મામા શૂરપાળે તેને શસ્ત્રની તાલીમ આપી. વનમાં ભીલોએ તેને સાચવ્યો અને તેને કેટલાક મિત્રો પણ વનમાં જ મળ્યા, જે તેના પિતાનું રાજ્ય ભૂવડ પાસેથી પાછું મેળવવામાં તેના સાથીદાર બન્યા. તેમાં અણહિલ ભરવાડ અને ચાંપા વાણિયાનો સમાવેશ થાય છે. વનરાજ માટે આચાર્ય શીલગુણસૂરિએ ભવિષ્યવાણી કરેલી કે આ બાળક મોટો થઈને મહાન રાજા બનશે અને જૈન ધર્મની મોટી સેવા કરશે. વનરાજે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવવા માટે ચોરી અને લૂંટફાટનો પણ સહારો લીધેલો. આથી એ સમયે ‘ચાવડા એટલે ચોર’ એવી કહેવત પ્રચલિત બની હતી.

 વનરાજ ચાવડા

વનરાજ ચાવડાએ રાજગાદી સંભાળ્યા બાદ પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર અને ચાંપા વાણિયાની યાદમાં ચાંપાનેર વસાવ્યું. હાલના પાટણની પશ્ચિમે આવેલું અનાવાડા ગામ એ ‘અણહિલવાડ’નું અપભ્રંશ થયેલું નામ છે. તેણે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં વનરાજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. તેણે કુલ 60 વર્ષ શાસન કર્યું. તે 110 વર્ષ જીવ્યો હોય એમ માનવામાં આવે છે. તેણે પાટણને પોતાની રાજધાની બનાવી શાસન કર્યું હતું. પાટણની સ્થાપના તેણે વિક્રમ સંવત 802માં એટલે કે ઈ.સ. 746માં કરી હતી. પરંતુ આધુનિક સંશોધન મુજબ એમ માનવામાં આવે છે કે તેણે પાટણની સ્થાપના તેના સોએક વર્ષ પછી કરી હશે.

 યોગરાજ

યોગરાજ એ વનરાજનો પુત્ર હતો. તે ન્યાયપ્રિય હતો. તેનો પુત્ર ક્ષેમરાજ હતો. તેણે પ્રભાસ પાટણમાં સપડાયેલાં વહાણોની ભાળ મળતાં પિતાને વાત કરી અને તે લૂંટી લાવવા માટે પિતાની પરવાનગી માંગી. પરંતુ તેના પિતાએ ના પાડી. તેમ છતાં તેણે લૂંટ કરી. આથી યોગરાજે અન્નજળનો ત્યાગ કરી ચિતામાં પ્રવેશ કરી દેહત્યાગ કર્યો.

ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો.

 ઈ.સ. ૮૭૫ ચૂડાસમા રાજાઓ

       સૌરાષ્ટ્રમાં ચૂડાસમા રાજવંશ સોરઠના વંથળીમાં થયો. સિંધના સમા વંશનો રાજા ચંદ્રચૂડ ઈ.સ. ૮૭૫માં વંથળી આવી તેના મામાના સિંહાસને બેઠો. તેના વંશજો ચૂડાસમા કહેવાયા. તેના કુંવર મૂળરાજે સત્તા પર આવતાં રાજ્યનો વિસ્તાર વધાર્યો. તેના પૌત્ર ગ્રહરિપુએ નવો પ્રદેશ ઉમેર્યો. ગુજરાતના મૂળરાજ સોલંકીએ ઈ.સ. ૯૭૯માં તેને હાર આપી. ત્રણ વર્ષ પછી ગ્રહરિપુનું અવસાન થતાં તેનો કુંવર કવાત સત્તા પર આવ્યો. ગુજરાતનો રાજા દુર્લભરાજ તેને હરાવી ના શક્યો. તેણે ચારણ પાસે તેનું માથું દાનમાં માગી લીધું. એક દાસી તેના કુંવર નવઘણને લઈને નાસી છૂટી. નવઘણ મોટો થતાં તેણે જીર્ણદુર્ગ એટલે જૂનાગઢ જીતી લીધું. ઈ.સ. ૧૦૨૫માં તે રાજા થયો. તેણે સિંધ પર આક્રમણ કરી ત્યાંના હમીર સુમરાને હરાવ્યો. તેના પછી ખેંગાર, નવઘણ બીજો તથા ખેંગાર બીજો થયો. ગુજરાતના રાજા જયસિંહ સિદ્ધરાજ સામે ખેંગાર મરાયો. ઈ.સ. ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખિલજીએ સોમનાથનો ધ્વંસ કરેલો, તેને મહીપાલે સમરાવ્યું. મેલિગે રાજધાની વંથળીથી જૂનાગઢ ખસેડી. ઈ.સ. ૧૪૧૩માં તેણે અમદાવાદના અહમદશાહને હરાવ્યો. તે પછી બે રાજા પછી માંડલિક રાજા થયો. મહમૂદ બેગડાએ તેને હરાવવા ઉપરાઉપરી ઘણાં આક્રમણો કર્યાં. છેવટે ઈ.સ. ૧૪૭૨માં માંડલિકના પરાજય સાથે ચૂડાસમા વંશનો અંત આવ્યો.