ધોળાવીરા

કચ્છમાં પણ પ્રાગ ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક કાળના અવશેષો મળેલ છે. અત્યાર સુધીમાં લગભગ 60 જેટલી વસાહતોના અવશેષો અહીંથી મળ્યા છે.

ધોળાવીરામાં રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા 1960માં સંશોધન કરવામાં આવ્યું હતું. અહીં જગપતિ જોષીએ ઈ.સ. 1967માં સંશોધન કાર્ય કર્યું હતું. તેઓ Archieological Survey Of Indiaના Director General પણ રહી ચૂક્યા છે. 1990થી અહીં ભારતીય પુરાતત્ત્વ ખાતા દ્વારા પદ્ધતિસર ખોદકામ કરવામાં આવ્યું હતું. આ સ્થળ કચ્છના ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટમાં ધોળાવીરા ગામથી બે કિમી દૂર આવેલું સ્થળ છે.

વિસ્તાર :

ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી મોટું સ્થળ છે. હડપ્પીય સભ્યતાની આઠ મોટી સાઈટોમાંથી તે પાંચમા નંબરનું મોટું નગર છે. તે આઠ સાઈટો આ મુજબ છે. 1. હડપ્પા, (પંજાબ, પાકિસ્તાન) 2. મોંહે-જો-દડો, (સિંધ, પાકિસ્તાન)  3. ઘનેરીવાલા, (પંજાબ, પાકિસ્તાન) 4. રાખીગઢી, (હિસાર જિલ્લો, હરિયાણા) 5. ધોળાવીરા, 6. કાલીબંગન, (રાજસ્થાન) 7. રૂપનગર (પંજાબ) અને 8. લોથલ.  

તળાવ :

અહીંથી મળી આવેલ તળાવનો ઉપયોગ સંભવતઃ ખેતીની સિંચાઈ માટેના જળસંચય માટે કરવામાં આવતો હશે.

 કિલ્લેબંધી :

ધોળાવીરાની આ વસાહત લગભગ ઉત્તર-દક્ષિણ 600 મીટર અને પૂર્વ-પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. લગભગ 12 મીટર ઊંચી દીવાલોવાળી  કિલ્લેબંધી ધરાવતા આ નગરની રચના સિંધુ સંસ્કૃતિનાં અન્ય નગરો જેવી જ છે. કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દીવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે; તે હજુ આજે પણ ચમકે છે. નગરને કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દીવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનેલ છે. 

 રાજમહેલ :

રાજમહેલ નગરના મધ્ય ભાગમાં ઊંચાઈવાળી જગ્યાએ આવેલો છે. તે નગરના પ્રમુખ શાસકનું રહેઠાણ હોય એમ લાગે છે. તે મજબૂત કિલ્લાથી સુરક્ષિત છે. તેને ચાર મુખ્ય દરવાજા છે અને પથ્થરના સ્તંભોમાં ઉત્તમ કોતરણી છે. મહેલમાં પાણીનો હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળું પણ છે. એટલું જ નહીં પણ આ નાળામાં પાણીનો કચરો અને રેતી તળિયે બેસી જાય અને હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણ પદ્ધતિની વ્યવસ્થા પણ છે.

સ્નાનાગાર અને મેદાન :

અહીં મોટું સ્નાનાગાર પણ મળી આવેલ છે. અહીં રમતગમતનું મોટું મેદાન પણ હશે એમ અવશેષો જોતાં જણાય છે.  

અન્ય અવશેષો : ખોદકામ દરમ્યાન મળી આવેલ આ વસાહતના અવશેષો  ઉપરથી જણાય છે કે તે વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. પથ્થરમાં ભળેલા તાંબાને છૂંટું પાડવાની ભઠ્ઠી, હથિયાર બનાવવાનાં ઉપકરણો તેમજ ગુલાબી રંગનાં મોટા પ્રમાણમાં મળેલાં વાસણો, શંખ તેમજ અન્ય ધાતુની બંગડીઓ, વિભિન્ન પ્રકારનાં મોતી, મણકા, વીટીંઓ, સોનાનાં આભૂષણો, પકવેલી માટીના દાંતીયાઓ વગેરે મળી આવ્યાં છે. આ બધા નમૂના સાક્ષી પૂરે છે કે અહીંના લોકો સુખી સંપન્ન હતા.

લિપિ :

સિંધુ સંસ્કૃતિમાંથી મળી આવતી ચિત્રલિપિ જેવું લખાણ અહીંથી પણ મળે છે. થોડાક અક્ષરો જુદા પડે છે. આ લિપિ ઉકેલાય તો જ ખબર પડે કે આ શેનું લખાણ છે. આ લિપિ ઉકેલવાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રયત્ન થયા છે. પરંતુ સર્વમાન્ય અને  નિષ્પક્ષ બન્યા નથી.

વિનાશ :

આ નગર લગભગ 600 વર્ષ સુધી હડપ્પીય વસવાટનું રહેઠાણ રહ્યું હશે. એવું અનુમાન છે કે કોઈ ચોક્કસ કુદરતી આફતને લીધે આ નગરનો નાશ થયો છે.

સમય :

ધોળાવીરાનો સમયગાળો ઈ.સ. પૂર્વે 2500 થી ઈ.સ. પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. અહીં હડપ્પાકાલ પછીની સંસ્કૃતિના અવશેષો પણ મળ્યા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી સિંધુ સંસ્કૃતિનું કે હડપ્પા સભ્યતાનું લોથલ પછીનું મળી આવેલું એકમાત્ર મોટું નગર છે.

 ગુજરાતની અન્ય વસાહતો

આ ઉપરાંત જામનગરમાં આમરા અને લાખાબાવળ, ગીરસોમનાથમાં પ્રભાસ-સોમનાથ(વેરાવળથી 7 કિમીના અંતરે આવેલું સ્થળ), રાજકોટમાં રોજડી(શ્રીનાથગઢ) (ભાદર નદીના કાંઠે આવેલું સ્થળ) તથા આટકોટ, દડ અને પીઠડીયામાં પણ અવશેષ પ્રાપ્ત થયા છે. કચ્છમાં દેસલપર(કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કાંઠે આવેલુ સ્થળ છે. અહીં પી. પી. પંડ્યા અને એમ. કે. ઢાકે દ્વારા સંશોધન કરવામાં આવેલ છે), લાખાપર, પબુમઠ, સુરકોટડા(રાપર તાલુકો – અહીં 1964માં જગપતિ જોષી અને એ. કે. જોષી દ્વારા સંશોધન થયેલ છે), શિકારપુર(ભચાઉ તાલુકો) વગેરે સ્થળોએ અવશેષ પ્રાપ્ત થયા છે. દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ (સુરત પાસે), મહેગામ (ભરૂચ તાલુકો) અને તેલોદમાં (ભરૂચ જિલ્લાનું અમોદ તાલુકાનું ગામ) પણ આ સભ્યતાના અવશેષ પ્રાપ્ત થયા છે. 1990-92 દરમ્યાન થયેલાં ખોદકામોમાં ભગતરાવ (તાલુકો –હંસકોટ, જિ. ભરૂચ. સંશોધન – ડૉ. એસ. આર. રાવ), મોરબી પાસે કુન્તાસીમાં (અહીં એમ. કે. ધાવોલકર, એમ. આર. રાવલ અને વાય. એમ. સિતલવાસ દ્વારા સંશોધન કરવામાં આવેલ છે) તથા ધોળાવીરામાં અવશેષો મળી આવ્યા છે. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનાં કુલ 22 સ્થળ મળી આવ્યાં છે, જેમાંથી 14 સ્થળ કચ્છમાં આવેલાં છે. આમ, ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ લોકોનો વસવાટ હશે.

 પૌરાણિક અનુશ્રુતિઓ પ્રમાણે ગુજરાતનો ઈતિહાસ

પુરાણો મુજબ વૈવસ્વત મનુના સમયમાં અહીં મનુપુત્ર શર્યાતિનો રાજવંશ સત્તારૂઢ થયો હતો. શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી.

આનર્તના નામ પરથી આ પ્રદેશ આનર્તના નામે ઓળખાતો, જેની રાજધાની કુશસ્થળી હતી.

આનર્તના વંશમાં રેવ કે રેવત વગેરે નામે રાજા થયા. એમાં છેલ્લે જે રાજા થયો તેનુ નામ હતું રૈવત કુકુદ્મી. તેના સમયમાં કુશસ્થળી પર પુણ્યજન રાક્ષસોનું આક્રમણ થયું અને શાર્યાત વંશની સત્તા અસ્ત પામી.

એ અરસામાં મથુરાથી યાદવો સ્થળાંતર કરી અહીં આવી વસ્યા. રૈવત કુકુદ્મીની પુત્રી રેવતી વસુદેવ પુત્ર બલરામને પરણાવવામાં આવી. યાદવોએ વેરાન કુશસ્થળીનું નવનિર્માણ કર્યું. આ નવી નગરી ત્યારબાદ દ્વારાવતી કે દ્વારકા નામે ઓળખાઈ.

 પુરાણો પ્રમાણે ગુજરાતનો ઈતિહાસ

ભાર્ગવો ગુજરાતના હૈહય કુળના રાજવીઓ સાથે પુરોહિત સંબંધ ધરાવતા હતા. યાદવોની હૈહય શાખામાં અર્જુન કાર્તવીર્ય નામે રાજા થયો. એને ભૃગુઓ સાથે સંઘર્ષ થયો. ભૃગુના પુત્ર ઔર્વ અને ઔર્વના પુત્ર ઋચિક હતા. ઋચિકના પુત્ર જમદગ્નિ અને જમદગ્નિના પુત્ર પરશુરામ હતા. આ હૈહય રાજવીઓના વિશાળ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો હતો. અર્જુન કાર્તવીર્યની રાજધાની માહિષ્મતી(મધ્યપ્રદેશમાં) હતી. પરશુરામે કાર્તવીર્યનો વિધ્વંસ કર્યો. પરશુરામે સૂર્પારક (સોપારા)નું નિર્માણ કરી ત્યાં આશ્રય લીધો. ભાર્ગવો ભૃગુક્ષેત્ર ત્યજી અપરાન્ત(કોંકણ)માં ચાલ્યા ગયા. એ પહેલાં તેઓ રેવા(નર્મદા)-સમુદ્ર સંગમ પાસે આવેલા ભરુકચ્છ પ્રદેશમાં વસતા હતા. એના કારણે આ પ્રદેશ ભૃગુકચ્છના નામે ઓળખાતો.

મગધનરેશ જરાસંધનું વારંવારનું આક્રમણ અને શિશુપાલના ત્રાસને લીધે મથુરાના યાદવો સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા. વેરાન થયેલી પ્રાચીન કુશસ્થળી નગરીનું નવનિર્માણ કરી દ્વારકા નામે નવી નગરી વસાવી. આ યાદવોના અગ્રણી ઉગ્રસેન હતા, જે કંસના પિતા હતા.

જો કે મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ અને ભાગવતમાં આપેલ વૃત્તાંત મુજબ દ્વારકાવાસી યાદવોના અગ્રણી કૃષ્ણ હતા. તેઓ સાત્વત કુળના ચંદ્રવંશી યાદવ હતા. તેમને મનુથી 61મા પુરૂષ માનવામાં આવે છે. 

આ યાદવો મદિરાપાન કરી પરસ્પર લડીને મૃત્યુ પામ્યા. દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબવા લાગી; ત્યારે કૃષ્ણએ અર્જુનને સંદેશો મોકલી જરા નામના પારધીના બાણથી દેહોત્સર્ગ કર્યો. આ સ્થળ હિરણ નદીના કાંઠે આવેલું છે અને તે ભાલકાતીર્થના નામે ઓળખાય છે. યાદવો ગુજરાતમાં નામશેષ થઈ ગયા. યાદવોનો સમય નક્કી કરવો મુશ્કેલ છે, પરંતુ અનુશ્રુતિઓના આધારે આશરે ઈ.સ. પૂર્વે 3102 આસપાસનો હોવો જોઈએ.

 પ્રાચીન કાળમાં   ગુજરાતના વિવિધ પ્રદેશોનાં નામ

સુરાષ્ટ્ર સૌરાષ્ટ્ર
કચ્છ કચ્છ
સારસ્વત   સરસ્વતી નદીનો કાંઠો
શ્વભ્ર સાબરકાંઠા
માંહેય મહીકાંઠો
ધર્મારણ્ય મોઢેરાની આસપાસનો પ્રદેશ
હાટકેશ્વર વડનગરની આસપાસનો પ્રદેશ
કુમારિકા ક્ષેત્ર ખંભાતની આસપાસનો પ્રદેશ
ભૃગુ ક્ષેત્ર / રેવા ખંડ ભરૂચની આસપાસનો
૧૦ તાપી ક્ષેત્ર ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ
૧૧ અપરાન્ત તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ

ગુજરાતમાં વિવિધ શાસનકાળ

ક્રમ રાજવંશ સમયગાળો
1 મૌર્યકાળ ઈ.સ. પૂર્વે 322 – ઈ.સ. પૂર્વે 185
2 અનુમૌર્યકાળ ઈ.સ. પૂર્વે 185 – ઈ.સ. 33
3 ક્ષત્રપકાળ ઈ.સ. 33 – ઈ.સ. 400
4 અનુક્ષત્રપકાળ ઈ.સ. 400 – ઈ.સ. 415
5 ગુપ્તકાળ ઈ.સ. 415 – ઈ.સ. 470
6 મૈત્રકકાળ ઈ.સ. 470 – ઈ.સ. 788
7 અનુમૈત્રકકાળ ઈ.સ. 788 – ઈ.સ. 942
8 સોલંકીકાળ ઈ.સ. 942 – ઈ.સ. 1304
9 દિલ્હી સલ્તનત ઈ.સ. 1304 – ઈ.સ 1403
10 સ્વતંત્ર સલ્તનત ઈ.સ. 1403 – ઈ.સ 1572
11 મુઘલ શાસન ઈ.સ. 1572 – ઈ.સ 1760
12 મરાઠા શાસન ઈ.સ. 1760 – ઈ.સ 1818
13 કંપની શાસન ઈ.સ. 1818 – ઈ.સ 1858
14 બ્રિટિશ શાસન ઈ.સ. 1858 – ઈ.સ
15 બૃહદ મુંબઈ ઈ.સ. 1947 – ઈ.સ 1960
16 ગુજરાત ઈ.સ. 1960 – વર્તમાન સુધી

 

આશરે ઈ.સ. ૧૦૦ પાશુપત સંપ્રદાય ગુજરાતનો આગવો શૈવ પંથ

       હિંદુ ધર્મમાં બે પ્રમુખ મત શૈવ અને વૈષ્ણવ છે. શૈવ મતમાં એક પાશુપત (માહેશ્વર) સંપ્રદાય છે. શ્રીકંઠ સ્વામીએ સદીઓ પૂર્વે તેની સ્થાપના કરી. ભૃગુ ઋષિના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવે હાથમાં લકુટ કે દંડ સાથે કોપાવતાર લીધો. તેથી તે લકુલીશ કે નકુલીશ કહેવાયા. તે શિવના ૨૮મા અવતાર મનાય છે. તેમનું મુખ્ય કેન્દ્ર ગુજરાતમાં વડોદરા નિકટ કાયાવરોહણ ગામમાં છે. સોલંકી યુગમાં આ ધર્મ ગુજરાતનો રાજધર્મ હતો.

 ઈ.પૂ. ૪૦૦ પહાડ સરખો કબીરવડ

       ભરૂચ મંડલમાં નર્મદા નદીના બેટ ઉપર શુક્લતીર્થ પાસે આવેલો વિશાળ જૂનો વડ છે. તેનો ઘેરાવો ૬૦૦ મી. છે. અહીં કબીરનું મંદિર છે. હિંદુ મુસલમાન બંને માટે જાત્રાનું સ્થળ છે. સંત કબીરનો જન્મ કાશીમાં આશરે ૧૩૯૮માં બ્રાહ્મણ કુટુંબમાં થયો. પણ નીરુ અને નીમા નામના મુસલમાન વણકર દંપતીએ તેમનો ઉછેર કર્યો. તેમણે લગ્ન કર્યા કે નહિ તે વિશે પણ માહિતી નથી. કેટલાક વિદ્વાનો તેમને લોઈ નામે પત્ની અને કમાલ અને કમાલી નામે બે સંતાન હતાં એમ માને છે. તેમને રામાનંદ નામે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું. જીવનનો મોટો સમય કાશીમાં વિતાવી મગહર ગામે આશરે ૧૫૧૮માં તે અવસાન પામ્યા.