પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ  (ભાગ-૧) 

પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ જાણવામાં ઉપયોગી સાહિત્ય :-

ક્રમ કૃતિ કર્તા
1 દ્વયાશ્રય હેમચંદ્રાચાર્ય
2 કર્ણસુંદરી બિલ્હણ
3 મુદ્રિતકુમુદચંદ્ર યશચંદ્ર
4 મોહરાજપરાજય યશપાલ
5 કુમારપાલપ્રતિબોધ સોમપ્રભસૂરિ
6 કીર્તિકૌમુદી સોમેશ્વર
7 સુકૃતસંકીર્તન અરિસિંહ
8 વસન્તવિજય બાલચંદ્રસૂરિ
9 હમ્મીરમદમર્દન જયસિંહસૂરિ
10 રત્નમાલા (હિન્દી) કૃષ્ણ કવિ
11 હર્ષચરિત બાણ ભટ્ટ
12 કાન્હડદે પ્રબંધ પદ્મનાભ
13 રાવણવધ કવિ ભટ્ટી
14 સિયુકી હ્યુ એન ત્સાંગ
15 દેવળદેવી-વ-ખિઝરખાન અમીર ખુસરો
16 પ્રબંધચિંતામણી મેરૂતુંગ

 આ ઉપરાંત શ્રીમાલપુરાણ, ભાગવત, મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ, આબુરાસ વગેરે કૃતિઓમાંથી પણ ગુજરાતનો પ્રાચીન કાળનો ઈતિહાસ જાણવા મળે છે. દ્વયાશ્રય, કર્ણસુંદરી અને પ્રબંધ ચિંતામણી સોલંકી વંશનો ઈતિહાસ જાણવા માટેની મહત્ત્વની કૃતિઓ છે. ચાવડા વંશનો ઈતિહાસ જાણવા માટે કૃષ્ણકવિની રત્નમાલા અને બાણભટ્ટ લિખિત હર્ષચરિત અત્યંત ઉપયોગી છે. વનરાજ ચાવડાના પિતા જયશિખરીનો  ઉલ્લેખ હર્ષચરિતમાંથી સૌપ્રથમ મળી આવે છે. કીર્તિકૌમુદીના રચયિતા કવિ સોમેશ્વર અને સુકૃત સંકીર્તનના રચયિતા અરિસિંહ વાઘેલા વંશના સ્થાપક રાજા વીસલદેવના દરબારના વિદ્વાનો હતા. આથી કીર્તિકૌમુદી અને સુકૃત સંકીર્તન વાઘેલા વંશનો ઈતિહાસ જાણવા માટેની વિશ્વસનીય કૃતિઓ છે.

પ્રબોધગ્રંથ :-

1 પ્રભાવકચરિત
2  વિચારશ્રેણી
3 વિવિધ તીર્થકલ્પ
4 પ્રબન્ધકોશ

જો આપને ગુજરાતના ઈતિહાસનું આ મટેરીયલ પસંદ આવે તો આ પોસ્ટને આપના મિત્રોને શેર ચોક્કસ કરજો અને આ પેજની નીચે કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય ચોક્કસ જણાવશો. તો હું હજુ પણ આગળ ગુજરાતના ઈતિહાસ માટે આ રીતે મટેરીયલ આપના માટે મૂકતો રહીશ. 

પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી, અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડોલોજી, ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય, ભો. જે. અધ્યયન અને સંશોધનગૃહ, કોબા(ગાંધીનગર)માં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં રહેલાં તાડપત્રો કે ભોજપત્ર પર લખાયેલ હસ્તપ્રતો પણ ગુજરાતનો ઈતિહાસ જાણવા માટે ઉપયોગી છે. 

ગુજરાતનાં પાષાણયુગનાં પાષાણનાં ઓજાર પહેલવહેલાં રોબર્ટ બ્રુસ ફૂટ નામે ભૂસ્તરશાસ્ત્રીને વડોદરા રાજ્યના વિજાપુર તાલુકામાં 1893માં મળ્યાં હતાં.

ત્યારબાદ 1941માં આવાં ઓજાર એ જ પ્રદેશમાં મહેસાણા તાલુકાના લાંઘણજ ગામ (મહેસાણા જિલ્લો)પાસે નદીના પટમાં મળ્યાં. આ ઉપરાંત સાબરમતીના તટપ્રદેશમાં મહેસાણા તાલુકામાં આખજમાંથી પણ લઘુપાષાણ યુગનાં પ્રાણીઓનાં હાડકાંના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવ્યા છે.

આ સિવાય મહી નદીની ભેખડોમાં, સૌરાષ્ટ્ર, વલસાડ, ડાંગ અને કચ્છમાં પણ પાષાણયુગના અવશેષો મળેલ છે. નૂતન પાષાણયુગનાં ઓજાર મહેસાણા જિલ્લાના લાંઘણજ, તાપીના તટપ્રદેશમાં અને ડાંગ વિસ્તારમાંથી પ્રાપ્ત થયાં છે. આ સિવાય પ્રાચીન કાળના અવશેષો મહેસાણાના કોટ અને પેઢામલીમાંથી તથા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કનેવાલમાંથી પણ મળી આવ્યા છે. 

ગુજરાતનો આદિમાનવ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હોય એમ માનવામાં આવે છે.

 

સિંધુખીણની સભ્યતા

ઈ.સ. 1921માં દયારામ સાહની દ્વારા પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા નામના સ્થળે સંશોધન કરતાં પ્રાચીન નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા. ભારતમાં નગર સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હોવાથી આ સભ્યતા “હડપ્પીય સભ્યતા” તરીકે ઓળખાય છે. હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે. જો કે આ સભ્યતાની ભાળ જનરલ કનિંગહામને ઈ.સ. 1853માં રેલવેના ખોદકામ દરમ્યાન મળી હતી. પરંતુ એ વખતે આ સભ્યતાના સંશોધન પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું.

આગળ જતાં ઈ.સ. 1922માં રખાલદાસ બેનરજીને સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના તટપ્રદેશમાં  મોંહે-જો-દડો નામે ટીંબામાં પણ આ પ્રકારના અવશેષો મળ્યા હતા.

ત્યારબાદ સમય જતાં સિંધુ નદીના પ્રદેશમાં આવી વધુ વસાહતો મળતાં આ સભ્યતાને ‘સિંધુ ખીણની સભ્યતા’ એવું નામ આપવામાં આવ્યું.

જો કે ઉત્તર ભારતની લુપ્ત સરસ્વતી નદીનું સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે આ સભ્યતાને સિંધુ કરતાં સરસ્વતી નદી સાથે વધુ સંબંધ હતો.

  ગુજરાત અને સિંધુખીણની સભ્યતા

ભારતને આઝાદી મળ્યા બાદ સિંધુખીણની સભ્યતાનાં હડપ્પા અને મોંહે જો દડો તથા તેનાં જેવાં અન્ય સ્થળો પાકિસ્તાનમાં જતાં રહેવાના કારણે ભારતીય પુરાતત્ત્વ ખાતાએ ભારતમાં આ સભ્યતાનાં વધુ સ્થળોના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

મકાનો : નદીના પૂરથી બચવા માટે આ નગરોનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંતોનાં મકાનો બે માળનાં હતાં. અહીંનાં બધાં જ મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે નાની શેરીઓમાં ખૂલતા હતા. મકાનોમાં બારીઓ જોવા મળતી નથી. મકાનોમાં ઉપરના માળ પર જવા માટે દાદર પણ ઉપલબ્ધ હતા. દરેક મકાનમાં એક પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે મોરી, રસોડું, શૌચાલય વગેરેની વ્યવસ્થા હતી. ખાળકુંડી તથા મોરીની વ્યવસ્થા ન હતી ત્યાં કાણું પાડેલ માટલાં જમીનમાં દાટવામાં આવતાં. જેમાં એકઠું થતું પાણી વહી જઈને જમીનમાં ઊંડે શોષાઈ જતું હતું.

 

રંગપુર

ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના અવશેષોની શોધ આકસ્મિક કહી શકાય તે રીતે થઈ હતી. ઈ.સ. 191૩માં લીંબડી નજીક આવેલા રંગપુર ખાતે રસ્તો બાંધવામાં આવી રહ્યો હતો; ત્યારે આ સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ શ્રી માધોસ્વરૂપ વત્સ દ્વારા ઈ.સ. 1931માં અને શ્રી એસ. આર. રાવ દ્વારા 1953-54માં આ સ્થળે સંશોધન કરવામાં આવેલ છે.

રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કાંઠે આવેલુ ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલ હડપ્પીય સભ્યતાનું સ્થળ છે.

આ સભ્યતાના લોકો શિકાર અને માછીમારીથી જીવન નિર્વાહ કરતા હતા.

આ સભ્યતામાં માટીની પકવેલી બંગડીઓને બદલે છીપની બંગડીઓ પ્રચલિત થઈ હતી.

આપણા દેશની આઝાદી પશ્ચાત સૌથી વધુ અવશેષો આ સ્થળેથી જ મળ્યા છે.

 લોથલ

એસ. આર. રાવ દ્વારા ઈ.સ. 1954માં નવેમ્બરમાં આ સ્થળનું અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે સંશોધન કરવામાં આવેલું છે. હડપ્પીય આઠ મોટી સાઈટોમાંથી તે આઠમા નંબરનું મોટું નગર છે. લોથલનો ટીંબો ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે નીચાણમાં આવેલો છે. હાલ એ સમુદ્ર(ખંભાતના અખાત)થી 18 કીમી દૂર છે. પરંતુ આદ્ય ઐતિહાસિક કાળમાં તે સમુદ્રથી 5 કિમી દૂર હતો. ભાલનું સપાટ મેદાન પણ એ સમયે લોથલનો એક ભૂભાગ હતું.

1879માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટીયરમાં પ્રસિદ્ધ થયેલ નોંધ મુજબ કોઈ એક સમયે તે એક બંદર હતું. ‘લોથ’ શબ્દનો ગુજરાતી તળપદો અર્થ ‘લાશ’ થાય છે.  જે ‘મોંહે-જો-દડો’ અર્થાત મરેલાંઓનો ટેકરો સાથે સામ્ય ધરાવે છે. તે વારંવાર પૂરે સર્જેલા નાશનું સૂચન કરે છે.

 

લોથલની વિશેષતાઓ

લોથલમાં નગર આયોજન, આર્થિક જીવન, સામાજિક જીવન, ધર્મ અને ધાર્મિક સ્થિતિ વગેરે મોંહે-જો-દડો અને હડપ્પાના જેવાં જ હતાં. પરંતુ મોંહે-જો-દડો, હડપ્પા કે આ સભ્યતાના અન્ય કોઈ કેન્દ્રોમાં જોવા ન મળતી હોય તેવી કેટલીક બાબતો લોથલમાં જોવા મળે છે.

 વખારો :

લોથલ એક ઔદ્યોગિક નગર હતું. તેનુ પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરની અગ્નિદિશામાં એક ઉપરકોટ આવેલો હતો. તેમાં એક જગ્યાએ વખારોનું વિશાળ બાંધકામ મળી આવ્યું છે. આમાં સામસામી બે હારોમાં હરોળબદ્ધ કુલ 64 વખારો(ગોડાઉન) હતી. વચ્ચેના ભાગમાં મજૂરોને આવ-જા કરવા માટે ઈંટોની પગથી પણ બાંધવામાં આવી હતી. આ વખારો ઊંચા ઓટલાની નીચે બાંધવામાં આવી હતી. તેમાં હવાની આવ-જા માટે બારીઓ પણ મૂકવામાં આવી હતી.

 ભઠ્ઠી :

આ વખારોના પૂર્વ ભાગમાં માટીકામની વસ્તુઓ પકવવા માટેની ભઠ્ઠી પણ મળી આવી છે. તેમાં ખોદકામ કરતાં પકવેલી માટીના ગોળા, માટીની ત્રિકોણાકાર ટોપલી, રાખ અને કોલસા મળી આવ્યા છે.

 દુકાનો :

ઉપરકોટથી નીચલા નગરમાં તેના અવશેષો મળી આવ્યા છે. બજારની બંને બાજુએ હારબદ્ધ દુકાનો છે. આ દુકાનો 1 થી 1.5 મીટર ઊંચી, કાચી ઈંટની પ્લિન્થ પર ચણવામાં આવી છે. કેટલીક દુકાનો બે કે ત્રણ ખંડવાળી છે. અમુક દુકાનોની સાથે વેપારીનું ઘર પણ જોડાયેલું છે. આ દુકાનોમાંથી મળી આવતા અવશેષો પરથી તે કંસારાની, છીપ, શંખ અને હાથીદાંતની ચીજવસ્તુઓ અને અલંકારો બનાવનાર કારીગરોની અને પથ્થરના મણકા બનાવનારા મણિયારાઓની દુકાનો હશે એમ માનવામાં આવે છે.

 ડૉકયાર્ડ :

નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંઘરવા માટે તળાવ જેવો મોટો ડક્કો (ધક્કો-ડોકયાર્ડ) બાંધવામાં આવ્યો હતો. વહાણ લાંઘરવા માટેનો આ ધક્કો એ લોથલની વિશિષ્ટતા છે. કારણ કે, લોથલના જેવો ધક્કો લોથલ સિવાય હડપ્પીય સભ્યતાના અન્ય કોઈ પણ સ્થળે જોવા મળતો નથી. આ ધક્કાને કારણે લોથલ બંદર હશે એમ સાબિત થાય છે. આ ડક્કાનું તળીયું 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડુ હતું. તેની આજુબાજુ પકવેલી ઈંટોની દીવાલવાળો બંધ બાંધવામાં આવ્યો હતો. આ ડક્કામાં આશરે 650 ક્વિન્ટલ સુધીનાં વહાણો આવી શકતાં. વહાણો ઉત્તર દિશાએથી ડક્કામાં પ્રવેશ કરતાં અને દક્ષિણ બાજુએથી સમુદ્રમાં નીકળી જતાં.

 અલંકારો :

અહીં મળેલા અલંકારો હડપ્પીય સભ્યતાના અન્ય કેન્દ્રોમાં મળતા અલંકારો જેવા જ, વિવિધ પ્રકારના છે. તેમાં માત્ર એક વિશેષતા છે અને તે છે બારીક છીદ્રોવાળા સોનાના મણકા. અહીંથી વાસણોમાં ભરેલા આવા મણકા પુષ્કળ પ્રમાણમાં મળી આવ્યા છે. તેમનો ઉપયોગ હારમાં પરોવવામાં થતો. આવા મણકા લોથલ સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી.

 માટીકામ :

અહીંના કુંભાર માટીનાં વિવિધ આકારનાં વાસણો બનાવતા અને તેમની ઉપર લાલ કે પીળાશ પડતી પોલિશ ચડાવી, તેમની ઉપર કાળાશ પડતા રંગની રેખાઓ, ભૌમિતિક આકૃતિઓ તથા પશુપંખીઓ અને વનસ્પતિની આકૃતિઓનું સુશોભન કરતા. આવાં કલામય વાસણો લોથલના કુંભારકામની વિશેષતા ગણાય છે.

ઘંટી :

પથ્થરની ઘંટી એ લોથલની એક વધુ વિશેષતા ગણાય છે. આ ઘંટી સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરોમાંથી ઘડીને બનાવવામાં આવતી.

ધર્મ :

હડપ્પાનાં અન્ય સ્થળોની જેમ લોથલમાં પણ લોકો શિવ, શક્તિ, નાગ, પશુ, પક્ષી અને પીપળા જેવાં વૃક્ષોની પૂજા કરતા હતા. પરંતુ ધર્મની બાબતમાં અહીં નવી વસ્તુ એ છે કે રહેણાંકનાં મકાનોમાંથી તથા જાહેર મકાનોમાંથી પણ અગ્નિપૂજા માટેની તથા હોમહવન માટેની ચણેલી વેદીઓ મળી આવી છે, જે અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.

દફનવિધિ :

લોથલમાં શબને દાટવાની પ્રથા હતી. ખોદકામ કરતાં અત્યાર સુધી અત્યાર સુધીમાં દટાયેલાં 17 હાડપિંજર મળી આવ્યાં છે. કબરમાં શબને તેનુ માથું ઉત્તર તરફ તથા પૂર્વ તરફ ઢળતું રહે તે રીતે મૂકવામાં આવતું હતું તથા તેની સાથે થાળી, રકાબી, વાટકા, છીપની બંગડીઓ વગેરે તથા તેના રોજબરોજના ઉપયોગની ચીજો મૂકવામાં આવતી. અમૂક કબરોમાં સ્ત્રી અને પુરૂષનાં શબ સાથે દફનાવેલાં જોવા મળે છે. જોડિયાં શબની આવી પ્રથા હડપ્પીય સભ્યતામાં માત્ર લોથલમાં જ જોવા મળે છે. આથી આ પ્રથા એ લોથલની વિશિષ્ટતા છે અને તેનાથી સહમરણના રિવાજનું સૂચન થાય છે. એક બાળકના શબમાં તેની ખોપરીમાં કાણું પાડેલું જોવા મળે છે, જે કદાચ તેના મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોય અને ત્યારબાદ તેનુ મૃત્યુ થયું હોય એમ સૂચવે છે. જો ખરેખર એમ હોય તો ભારતમાં તે શસ્ત્રક્રિયાનો સૌપ્રથમ દાખલો બની રહે છે અને તેથી અતિ પ્રાચીન સમયમાં પણ ભારતમાં વેદક્રિયા(સર્જરી)ના ક્ષેત્રે કેટલી મોટી પ્રગતિ થઈ હશે તેનો નિર્દેશ મળે છે.

અન્ય અવશેષો :

લોથલમાં પાણીના નિકાલ માટે મોરીઓ હતી. તેના માર્ગો સુઆયોજીત હતા. આ શહેરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી. અહીં સ્નાનગૃહ પણ મળી આવેલ છે. આ સભ્યતા નકશીકામ પણ જાણતી હતી. તેની શિલ્પકૃતિમાં ખૂંધ વિનાનો આખલો એ તેની વિશેષતા છે. અહીં હાથીની આકૃતિ પણ મળી આવેલ છે. આ સભ્યતાના લોકો આભૂષણોના શોખીન હતા. તેની લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. તેમાં અલગ અલગ 95 મૂળાક્ષરો છે. આ સભ્યતાના લોકો શસ્ત્રક્રિયા પણ જાણતા હતા. તેઓ અન્ય પ્રદેશના લોકો સાથે વેપાર પણ કરતા હતા.

લોથલનો સમય :

લોથલમાંથી માનવ વસાહતના ત્રણ સ્તર મળ્યા છે. તે ઉપરથી લાગે છે કે લોથલ નગરનો પણ હડપ્પીય સભ્યતાની જેમ ત્રણ વાર (પૂરના કારણે )નાશ થયો હશે. આખરે ચોથા પૂરને અંતે ઈ.સ. પૂર્વે 1750ની આસપાસ અહીંના લોકો આ સ્થળ છોડીને ચાલ્યા ગયા હશે અને અહીં હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો હશે એમ માનવામાં આવે છે. કાર્બન -14 પરીક્ષણ પરથી આ સભ્યતાનો સમય ઈ.સ. પૂર્વે 2400 – ઈ.સ. પૂર્વે 1900 નક્કી કરવામાં આવ્યો છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ઈ.સ. પૂર્વે 2500ની આસપાસ મોંહે જો દડો અને હડપ્પા તરફથી લોકો એક યા બીજા કારણોસર દક્ષિણમાં કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ કદાચ સમુદ્ર રસ્તે સ્થળાંતર કરવા લાગ્યા હતા. તેઓ અહીં જુદાં જુદાં સ્થળોએ વસવાટ કરવા લાગ્યા હશે. પરંતુ તેમણે પોતાનાં માતૃકેન્દ્રો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હશે. તેને કારણે તેમની પછી પણ માતૃકેન્દ્રોમાંથી લોકોનો પ્રવાહ આ તરફ આવ્યા કર્યો હશે. લોથલનાં જુદાં જુદાં થરોમાંથી મળેલો અવશેષોના અભ્યાસ પરથી વિદ્વાનો એવા અનુમાન પર આવ્યા છે કે લોથલમાં પણ ઈ.સ. પૂર્વે 2450ની આસપાસ હડપ્પીય પ્રજા આવીને વસી હશે.

લોથલમાંથી સ્થળાંતર :

લોથલ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રંગપુર, પ્રભાસ, લાખાબાવળ, રોજડી વગેરેમાંથી હડપ્પીય સભ્યતાના અવશેષો સારા પ્રમાણમાં મળી આવ્યા છે. પરંતુ તે અવશેષો ઊતરતી કક્ષાના છે અને તે અસ્ત પામતી સભ્યતાનો નિર્દેશ કરે છે. આ ઉપરથી વિદ્વાનો માને છે કે ઈ.સ. પૂર્વે 1750ની આસપાસ લોથલ નગર તેના ઈતિહાસમાં ચોથી વખત મહાપૂરને કારણે વિનાશ પામ્યું હશે. તે પછી અહીં ફરી વખત નગર વસાવી શકાય તેમ નથી તેવી ખાતરી થતાં અહીંના લોકોએ આ સ્થળ છોડીને રંગપુર, રોજડી, આટકોટ, ઉના, પ્રભાસ વગેરે સ્થળોએ વસાહતો સ્થાપી હશે. આ વસાહતોનો પણ ઈ.સ. પૂર્વે 1600ની આસપાસ અંત આવ્યો હશે તેમ મનાય છે.