લોકચિત્રકલા અને શિલ્પ (ભાગ પહેલો) 

ગુજરાતમાં લોકચિત્રકલાની પરંપરાનો ઉદભવ અને વિકાસ

પ્રાગ ઐતિહાસિક ગુફાવાસી માનવોએ પોતાની કલાભાવના વ્યકત કરવા હજારો વર્ષ પૂર્વે અંધારી ગુફાઓમાં ચિત્રાંકન કર્યાં છે. આવાં ચિત્રકૂટો ભારતમાં મિરજાપુર, બાંદા, હોશંગાબાદ, પંચમઢી, ભીમબેટકા વગેરે સ્થાનોમાં પણ મળ્યાં છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યા છે. જેમાં પશુઓની પીઠ તેમજ પૂંછડીની તૂટક રેખાઓ બારીક નજરે જોઈ શકાય છે. ગેરુથી થયેલું આલેખન હવે સાવ ઝાંખું થઈ ગયેલું છે.

ગુજરાતની લોકકલાનાં પ્રાથમિક સંકેત ધોળકા તાલુકામાં લોથલ ટીંબામાંથી મળે છે. આ ટીંબાનું ઉત્ખનન ૧૯૫૫/૬૨ના ગાળામાં થયું. તેમાંથી પકવેલી માટીનાં વાસણો અને પુષ્કળ ઠીંકરાં મળ્યાં. તેના પર કુંભકારે ચીતરેલાં શોભાંકનો તત્કાલીન લોકકલાની સાક્ષી પૂરે છે.

લોથલમાંથી કોઈ અખંડ ઈમારત કે દીવાલ મળી નથી. તેથી એ કાળે ભીંત પર ચિત્રાંકન થતાં કે નહિ તે જાણી શકાયું નથી. પણ માટીપાત્રો પર અંકિત ચિતરામણ જોતાં લાગે છે કે એ કાળે તળપદ લોકકલાનો ઘણો વિકાસ થયો હશે. તેથી કહી શકીએ કે લોથલ ચિત્રપરિપાટી ગુજરાતની લોકકલાની જનેતા છે.

લોથલના કુંભકાર સ્ત્રીપુરુષોએ ચિત્રાંકનમાં ‘ખેપ’, ‘પાન્ય’, ‘જાળય’, ‘ખીજડો’, ‘પીપળો’, વગેરે છોડ અને વૃક્ષો તથા બતક, ગાયબગલા, મોર, કાગડો વગેરે જળથળનાં પંખીઓ ઉપરાંત કાનખજૂરા, વીંછી, નાગ, માછલાં જેવા જીવજંતુ અને કાળિયાર, સાબર, બકરો વગેરે આકૃતિઓનું એક રંગમાં ચિત્રણ કર્યું છે. આવા જ પ્રકારના ચિત્રિત પાત્રોના ઠીંકરા દેશળપર અને ધોળાવીરામાંથી પણ મળ્યા છે. માટીપાત્ર પરના ચિત્રાંકનની પ્રથા આજે પણ કચ્છના બન્ની, અંજાર, સૌરાષ્ટ્રના મોરબી, શિહોર તથા ભાવનગર અને ભાલપંથકના ગામોમાં છે. જેમાં લોથલકાળના મોટિફની પરંપરા અને રંગાવટી સચવાઈ રહી છે.

ગુપ્તયુગના અસ્ત સાથે ભારતીય કલા અને સંસ્કૃતિનાં વળતાં પાણી થઈ ગયા. ગુજરાતમાં સોલંકી રાજવીઓના ઉદય સાથે અગિયારમી – બારમી સદીમાં જૈન અમાત્યો, આચાર્યો અને શ્રેષ્ઠીઓ ધર્માશ્રયે હસ્તપ્રતો લખાવીને ગ્રંથભંડારોને અર્પણ કરતા હતા. આમ, અગિયારમી સદીથી ગુજરાતમાં તાડપત્રના ગ્રંથો લખવા – ચીતરવાની શરૂઆત થઈ ગઈ હતી. 

લોકચિત્રકલાના પ્રકારો અને પ્રતીકો 

તાડપત્ર પરનાં ચિત્રો :

                        અગિયારથી ચૌદમી સદી સુધીના સમયગાળામાં તાડપત્રની ઘણી પોથીઓ ચિત્રિત થઈ છે. ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલભ્ય પ્રત સંવત ૧૧૮૨ની નિશીથ ચૂર્ણિની છે. તેના સુશોભન, રંગાવટ અને રેખાંકનમાં લોકકલાની પરિપાટી દેખાય છે. તાડપત્રની ઘણી પ્રતો ખંભાત, ભરૂચ, પાટણ, છાણી, અમદાવાદ વગેરેના જૈન ભંડારોમાં છે. કાગળ પર લખવાનું શરૂ થઈ ગયું. તેથી પંદરમી સદીથી સત્તરમી સદી સુધી જૈન – જૈનેત્તર પોથીઓ કાગળ પર લખાવી – ચિતરાવી ચાલુ રહી.

ગુજરાતમાં અગિયારમીથી પંદરમી સદીના ગાળામાં એક નવી ચિત્રપરિપાટી અસ્તિત્વમાં આવી અને આ શૈલીથી તાડપત્ર, કાગળપોથી, ઓળીયાં વગેરે પર પુષ્કળ ચિત્રો જૈનાશ્રિત ગ્રંથોમાં થયાં હોવાથી આ ચિત્રપરિપાટીને જૈનશૈલી કે કલમ એવું અભિધાન મળ્યું. જેમાં પંદરમી અને સોળમી સદીની જૈનપોથીઓ ‘કલ્પસૂત્ર’ ‘કાલકાચાર્યકથા’ વગેરે જૈન પરંપરાની છે. તો ‘ખાલગોપાલ સ્તુતિ’, ‘રતિરહસ્ય’ વગેરે જૈનેત્તર પરંપરાની છે.

સત્તરમી – અઢારમી સદીમાં થયેલ ‘સંગ્રહણી પ્રકરણ’નું વર્ષ સંવત ૧૬૪૪ છે, તો ઉત્તરાધ્યનસૂત્ર અઢારમી સદીનું છે. જૈનેતર ધારામાં ‘અભિનવ નામમાલા’ અને ‘ભાગવત દશમસ્કંધ’ બંને પોથીઓનાં ચિત્રો લોકઘાટીનાં છે. ઓગણીસમી સદીમાં ચિત્રિત ‘નાંદડ રાસ’માં પણ ઘણું લોકત્તત્વ છે. ‘મધુમાલતી’ની લોકકથા લોકશૈલીના ચિત્રોથી ચિત્રિત છે. અઢારમી સદીમાં કચ્છમાં પાંગરેલી કમાંગીરી કલમ લોકાશ્રિત રૂપની કલા છે. ભૂજ, મુંદ્રા વગેરે સ્થળનાં કમાંગરો આ કલમની ઘાટીએ પોથીઓ ચીતરતાં, જેમાં શુકનાવલિ, સપ્તશતી વગેરે કચ્છી લોકકલાનું રુહ બતાવે છે.

સૌરાષ્ટ્રની શિલાવત કે સલાટી શૈલી પણ અઢારમી સદીમાં વિકસી છે. તેની આલેખન – પરંપરા પણ લોકઆધારિત છે. આ પરંપરાનું સચિત્ર રામાયણ ગંગાજળા વિદ્યાપીઠ, અલિયાબાડાના સંગ્રહમાં છે.

પૂર્વમધ્યકાલીન જૈન તેમજ બૌદ્ધ પરંપરામાં ઓળિયા વસ્ત્રપટનો નિર્દેશ મળે છે. ઉદ્યોતનસૂરિની કુવલયમાલાકથામાંના ચિત્રાવલિ ઉલ્લેખમાં મનુષ્યલોક, નરલોક અને દેવલોકનું પ્રાસંગિક ચિત્રણ છે. બૌદ્ધ પરંપરામાં ‘દિવ્યાવદાન’ અને ‘અશોકાવદાન’માં બુદ્ધકથાને ચિત્રપટ દ્વારા દર્શિત કરાવનાર ચિત્રકથકોનો ઉલ્લેખ છે.

ગુજરાતમાં મધ્યકાળથી માંડીને આજ સુધી હરિજન ગુરુ ગરોડા મેઘવાળના ગરમાતંગ અને ચૂંદડિયા બ્રાહ્મણ ચિત્રિત કથાવાળા વસ્ત્રપટ ઓળિયા લઈને લોકવર્ણમાં ફરતા હતા. કાગળ શોધાયા પછી કાગળનાં ટીપણાં પર ચિત્રકથા માંડીને તેઓ ગામેગામ ફરીને જજમાન તેમજ અન્ય લોકવાયાને ટીપણામાં ચિત્રિત કથાનું માહાત્મય સંભળાવી બોધ સાથે મનોરંજન કરાવતા. આજે પણ ટીંપણા વાંચવાની પરંપરા હરિજન અને મેઘવાળ કોમના ગુરુઓમાં પ્રચલિત છે. બીજી પરંપરા ચૂંદડિયા બ્રાહ્મણોની છે. તેઓ ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરે છે. પછી મોઢામાંથી ચૂંદડી, બંગડી, કંકુ અને નારિયેળ કાઢી લોકોને હેરત પમાડી ટીપણું ખોલીને વર્ષફળ કહે છે. આ ટીપણામાં ગણપતિ, શિવપરિવાર, નવગ્રહો અને ભૌમિતિક પરંપરાના સુશોભનો હોય છે.

ચંદરવા :

સોળમી સદીમાં વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાય પ્રસાર્યો અને શ્રીનાથજીના અષ્ટસ્વરૂપ દર્શન ઉપરાંત હવેલીઓમાં લલિત કલાઓ અને કારીગરોનું બહુમાન કર્યું.

સમગ્ર ગુજરાતમાં આ કાળથી મંદિર, હવેલી, ઠાકુર દ્વારા અને ચોરા તેમજ ઘરબારની ભીંતો પર ફરી પાછી ચિત્રાલેખની પરિપાટી શરૂ થઈ. તેમાં પિછવાઈ, ચંદરવા આવ્યા અને લોકવાયામાં પણ ચાકલા, ધાણિયા અને બેસણની પરંપરા શરૂ થઈ.

મધ્યકાળે શાક્ત સંપ્રદાયની લોકદેવીઓ ખોડિયાર, મેલડી, શિકોતર વગેરેના મઢો કે ઓરડાની ભીંતો શોભાવવા ચીતરેલા વેષ્ટનપટનની શરૂઆત થઈ. લોકવર્ણ તેમજ વાઘરી, કોળી, રબારી, ભરવાડ, ઠાકરડા વગેરે દેવપૂજક લોકો નવરાત્રી કરી અન્ય પર્વના દિવસોએ માતાજીને ‘ચંદરો’ ચડાવીને પોતાની માનતા પૂરી કરે છે. આ ચંદરો કે માતાજીનો પટ, ચંદરવો કે માતાજીની પછેડી એવા નામથી ઓળખાય છે.

માતાજીનો ચંદરો હાલના માદરપાટ પર અંકિત થાય છે, પણ મધ્યકાળે તો ગુજરાત સૌરાષ્ટ્રના વાઘરી અને કોળી ચિતારાને હાથેથી ચીતરતા હતા. આજે આવા ચંદરવા બીબાંથી છપાય છે, પણ રંગરેખા અને આકૃતિઓ પરંપરિત પ્રકારની જ અકબંધ તેમાં જળવાઈ રહી છે. આ ચિતારા મૂળે વીરમગામ ખાખરિયા ટપ્પાના વાઘરીઓ છે.

ભીંતચિત્રોની લૌકિક પરંપરા :

ગુજરાતમાં સલ્તનતકાળે સુંદર મસ્જિદો અને રોજા બંધાયા છે. તેના કંડાર શિલ્પમાં લંકારિક છંદોવેલોનું નકશીકામ થયું પણ તે કાળના કોઈ ભીંતચિત્રો મળ્યાં નથી. માત્ર ધોળકાની ખાન મસ્જિદ અને સરખેજના સૈયદસાહબના રોજાની છતો પર ગેરુ રંગથી ફૂલપત્તીના આલેખ થયા છે. ચાંપાનેરના ખોદકામમાંથી ભીંતચિત્રોના તુટકતૂટક નમૂના ઉપલબ્ધ થયા છે.

સોળમી સદીમાં મુઘલ સત્તા સ્થપાતાં ગુજરાતમાં સુખશાંતિ આવી. વળી, સાધુ સંતો રામાનંદ, તુલસીદાસ, નરસિંહ, મીરાં, વલ્લભાચાર્ય વગેરેએ જનતાનાં હૃદયમાં બેસી શકે એવો ભક્તિમાર્ગ પ્રબોધ્યો. તેથી માનસ પ્રમાણે ગુજરાતની કલાકારી પણ ધર્મલક્ષી બની ગઈ. સત્તરમી સદીથી ગુજરાતમાં જિનાલય, દેવાલય, હવેલીઓ, લોકાયતનો, મહેલ – મહેલાતો અને લોકઘરોમાં ભીંતચિત્રોની પરિપાટી શરૂ થઈ ગઈ. તેમાં રાજસ્થાની તેમજ મુસ્લિમ પરિપાટીની અસર ઝિલાઈ છે. જેના ચિત્રિત નમૂના પાલિતાણાનાં આ કાળનાં મંદિરો, ખેડા જિલ્લાના રુષેશ્વરના સમાધિ મંદિરો, જામનગર લાખોટામાં પૂજાઘરની પૂર્વ અને દક્ષિણ દીવાલ ઉપરાંત નર્મદાકાંઠેનાં મંદિરો, ચાણોદ, કરનાળી વગેરેની ભીંતો પર રામકથા, કૃષ્ણકથા, ભાગવત અને ઓખાઅનિરુદ્ધનાં ગુજરાતી સાથે રાજસ્થાની શૈલીની અસરવાળા સુંદર ચિત્રો થયાં છે. ૧૭૩૨માં ભીંતચિત્રોની પરિપાટીમાં મરાઠી લઢણની છાંટ આવી. ખેડા જિલ્લામાં ભાદરવા ગામનાં મકાનો પરનાં ચિત્રો તથા કરોલી, પીજમાં શ્રીમંત વર્ગના તેમજ સામાન્ય લોકોનાં ઘર પરનાં ચિત્રો, વડોદરામાં ત્ર્યંબકવાડાનાં ચિત્રો, ધોળકાની બજારમાં એક ઘરની દીવાલનાં ચિત્ર, અમદાવાદના જૂના ઘરો પરનાં ચિત્રો વગેરે જેવાં ભીંતચિત્રોમાં લોકતત્ત્વની અસર ભારોભાર જોઈ શકાય છે. ભરૂચ નજીક જંબુસર તાલુકાના ગજેરા ગામમાં તો એક હવેલીની બહારની આખી દીવાલ ભીંતચિત્રોથી ભરેલી છે.

સ્વામિનારાયણ ધર્મપરંપરાનાં મંદિરસ્થાનોમાં પણ ચિત્રો થયાં છે. તેમાં મરાઠી પરિપાટીની તેમજ તળપદ લોકકલાની અસર ઝીલાઈ છે; તેમાં વડતાલ, જંબુસર, ગઢડા, ભૂજ વગેરે મુખ્ય છે.

સૌરાષ્ટ્રમાં પણ સત્તરમી – અઢારમી સદીમાં ભીંતચિત્રો શરૂ થયાં છે. રવિશંકર રાવળે આ પરિપાટીને શિલાવત કે સલાટી શૈલી કહી છે. આ પરિપાટીનાં ચિત્રો શિહોર દરબારગઢ, જામનગરનો લાકોટો કાંઠો, લાઠી પાસેનું અંટાળિયા મહાદેવનું મંદિર, વાલકુંડનું જૈન દેરાસર વગેરેમાં જોવા મળે છે. જામનગર પાસેના પાંડરશિંગા ગામની ભાગોળે વિશ્વંભરનાથની જગ્યામાં પણ ભીંતચિત્રો છે. અહીં રામાયણ, ભાગવત વગેરેની વિવિધ ચિત્રાવલી છે. જેમાં મહુવા સહકારી હાટના ડેલાનાં ચિત્રો, ગોપનાથનાં મહંત ગાદીનશીન થયા ત્યારનું અયોધ્યા મિથિલાપુરીનું ચિત્રાંકન, મહુવા નાના ગોપનાથનું મંદિર, શિહોર રામજી મંદિર, ખદરપરના લોકાયતનાં ચિત્રો વગેરે છે.

બિહારી ગ્રામસ્ત્રીઓ મધુબની ચીતરે છે. એવી રીતે ભાવનગર જિલ્લાની ખરક, આયર, કોળી સ્ત્રીઓ આલેખચિત્રો કરે છે. 

કચ્છની કમાંગરી :

કચ્છમાં પણ સત્તરમી – અઢારમી સદીથી ભીંતચિત્રો અને પોથીચિત્રો થયાં છે. રાજસ્થાન અને તળપદ લોકકલાના અનુબંધમાંથી કચ્છી ચિત્રપરિપાટી નીપજી છે. તેને કમાંગર શૈલી કહેવાય છે. જેમાં તેણે દરબારગઢની જૂની મેડીના રેખાંકિત ચિત્રો, ગોરખનાથના ભંડારાના ચિત્રો, સુજાબાનો ડેલ ભારાપાર, તેરા દરબારગઢના રામાયણી ચિત્રો વગેરે છે. કચ્છના અનેક મકાનોમાં ભીંતચિત્રો છે. રાયણ ગામની એક ડેલીમાં વાઘનો શિકાર, પટ્ટાબાજી, સ્ત્રીના ચહેરાવાળી ઘોડી તથા સિંગરામ, વિક્ટોરિયા ઘોડાગાડી વગેરેનાં ચિત્રો છે. ઓગણીસમી સદીમાં મેકમર્ડોના બંગલાનાં ચિત્રો, દેવપર દરબારગઢનાં અને બીબ્બરનાં ચિત્રો, મુંદ્રામાં સુરેન્દ્રભાઈ અંજારીયાના મકાનના અદલ લોકકલાનાં ચિત્રો તળપદ લોકકમાંગરનું ચિત્રકામ છે. 

લોકચિત્રકલા અને શિલ્પ (ભાગ બીજો) 

ક્ષત્રિયકાળ દરમિયાન ગુજરાતમાં કેટલીક હીનયાનપંથી બૌદ્ધગુફાઓ અને જૈનગુફાઓનું સર્જન થયું. આવી ગુફાઓમાં તળાજા, જૂનાગઢ, કોડીયા, ડુંગર, સાણા, નેર, ઢાંક, રાણપુર અને પશ્ચિમ કચ્છની ગુફાઓ વગેરેની ગણતરી થઈ શકે છે. તળાજા, સાણા, નેર, જૂનાગઢની હીનયાનપંથી ગુફાઓમાં કયાંક લોકશિલ્પો નજરે પડે છે. આ બધી ગુફાઓ મહદંશે સાદી છે. જેતપુર પાસેની ખાંભલીડાની ગુફા તથા ભરૂચ જિલ્લાની કોડિયા ડુંગરની ગુફાઓમાં થોડું પ્રણાલિકાગત શિલ્પ દેખાય છે. પણ તેમાં લોકશિલ્પની પણ ઝાંખી થાય છે. સાબરકાંઠા જિલ્લાનાં શામળાજી નજીકના દેવની મોરીની સ્તૂપની જગતી ઉપર આર્દિત પટ્ટિકા (અડદિયાની પટ્ટી)નાં લોકશિલ્પોની બે પટ્ટિકાઓ દેખાય છે. મૈત્રકકાલીન લોકશિલ્પનાં ઉત્તમ નમૂનાઓ ગોપ, વિસાવડા, મિયાણી, ઉપલી, ધૂમલી, કળસાર, ખીમેશ્વર, બિલેશ્વર, ભૂવનેશ્વર, પાસ્તર, કદવાડ, સૂત્રાપાડા, ભીમદવળ, લાકરોડા, બામણા, ઢાંક, ધ્રુમઠ વગેરેનાં મંદિરોમાં જોવા મળે છે.

મૈત્રકકાળ પછી રાષ્ટ્રકૂટ, સૈધવ અને ચાપકાળ દરમિયાન ગુજરાતનું શિલ્પધન ઠીક ઠીક અંશે ગુપ્તકાલીન અસર નીચે આવ્યું. છતાં આ શિલ્પમાં ગુજરાતના લોકશિલ્પની આગવી અસર જોવા મળે છે. આ શિલ્પો રોડા થાન, મૈથાણ, દેદાદરા, વર્ધમાનપુર (વઢવાણ), કચ્છનાં કેરાકોટ, કંથકોટ, પૂંએરાનો ગઢ, કારવણ, ધુમકલ, વડનગર વગેરે જગ્યાએ જોવા મળે છે.

સોલંકીકાળ દરમિયાન ગુજરાતનાં દરેક પ્રકારનાં બાંધકામો અંગેની વ્યવસ્થિત પીઠ શરૂ થઈ. આ પીઠના સોમપુરા સ્નાતકો કે ગુરુ પરંપરા જાળવી રાખનાર કારીગરોએ લોકકલાને આદર આપ્યો. પોશીના પટ્ટા (સાબરકાંઠા જિલ્લા)માં આવેલા શેખાના મહાદેવના મંદિરનું બાંધકામ અમૂક અંશે સોલંકી અને પ્રતિહાર શ્રેણીને અનુસરે છે; જયારે અમૂક અંશે લોકકળાને અનુસરે છે.

લોકશિલ્પની ઝાંખી પાળિયાઓ અને ખાંભીઓ ઉપર દેખાય છે. સાધારણ કારીગરથી માંડીને સારા શિલ્પીઓ કે આદિવાસી કારીગરોએ ખાંભીઓ કે પાળિયાઓને લોકકળાના શિલ્પથી શણગાર્યા છે. અજેપાળ શ્રેણીનો પાળિયો રચાયો છે. દેલમાલના જેટી પહેલવાનના પાળિયાઓ, સાબરકાંઠાના પોળોના જંગલના કેન્યાટા મહાદેવના મંદિર, સારણેશ્વર મહાદેવના મંદિર તથા શામળાજીના રણછોડરાયજીના મંદિર પાસેના પાળિયાઓ, સોખડાના વૈજનાથ મહાદેવના મંદિરની ખાંભીઓ વગેરે તત્કાલીન લોકશિલ્પની ઝાંખી કરાવે છે. મહેસાણા જિલ્લાના જોરણાંગ ગામ નજીક જૈન મુનિની એક ઝાંખી કૃષ્ણકાલીન શિલ્પથી પણ સુંદર લોકશિલ્પ બતાવતી હાલમાં મોજૂદ છે. 

પ્રકારો :   

કાષ્ઠકલા :

પ્રાચીન ભારતમાં શિલ્પકલાનો પ્રચાર થયો એ પૂર્વે કાષ્ઠશિલ્પનું વર્ચસ્વ હતું. ગુજરાતમાં આર્યો આવ્યા પછી કાષ્ઠકલાનો વિકાસ થયો. આર્યો કિલ્લાઓ, ગામને રક્ષતી દીવાલો અને રહેવાનાં મકાનો એકલા કાષ્ઠનાં જ બનાવતા. તદુપરાંત યજ્ઞમંડપો અને દેવમંદિરો પણ કાષ્ઠમાંથી બનાવી શકતા. છેક સમ્રાટ અશોકના સમય સુધી ગૃહ – નિર્માણમાં મોટે ભાગે કાષ્ઠનો જ ઉપયોગ થયો હતો.

સંવતના સાતમાં સૈકામાં પ્રભાસપાટણની પુર(નગર) દીવાલ કાષ્ઠની જ હતી. ચાવડાઓના સમયમાં રચાયેલ સોમનાથનું છપ્પન ગજ ઊંચું મંદિર મહદંશે કાષ્ઠનું જ હતું. તદુપરાંત કયાંક કયાંક મંદિરોમાં કાષ્ઠની પૂજનીય મૂર્તિઓ જોવા મળતી. સંવતના બારમા સૈકામાં રચાયેલી એક પૂજનીય સૂર્યમૂર્તિ પાટણના મહાલક્ષ્મીનાં મંદિરોમાં હાલમાં બિરાજે છે.

શિલ્પશાસ્ત્રનાં કેટલાંક પુસ્તકોમાં ઘરોમાં બનતાં સુધી પથ્થરનો ઉપયોગ ન કરવો તેમ જણાવેલ છે. આ વસ્તુપ્રથા ગુજરાતની મોટા ભાગની જનતાએ સ્વીકારી હોય તેમ પુરાણા બાંધકામ ઉપરથી લાગે છે. ગુજરાતમાં મૈત્રક, ચાપ, રાષ્ટ્રકૂટ, પ્રતિહાર, સોલંકી અને વાઘેલાકાળ દરમિયાન કોઈ રાજવીઓએ પોતાના રાજમહાલયમાં સંપૂર્ણપણે પથ્થરનો ઉપયોગ કર્યો હોય એમ જાણવા મળ્યું નથી. મુસ્લિમો આવ્યા તે પહેલાં ગુજરાતના રાજાઓ અને શ્રેષ્ઠીઓ પોતાનાં મહાલયો કાષ્ઠનાં જ બાંધતા એટલે એ સમયનું કોઈ બાંધકામ હાલમાં જોવા મળતું નથી.

ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહમૂદ ગઝનવીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાનાં દેવમંદિરો, ઘરમંદિરો, ઘર – દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠનાં જ બનતાં.

વિક્રમ સંવતના ચૌદમાં સૈકા પછી ગુજરાત ઉપર વારંવાર થતાં મુસ્લિમોનાં આક્રમણોને લઈને પથ્થરમાંથી બાંધવામાં આવતાં મંદિરોનું બાંધકામ અટક્યું. એટલે ગુજરાતનાં સોમપુરા શિલ્પીઓ પથ્થરિયા મંદિરોની પ્રણાલિકાગત બાંધણી ભૂલ્યા નહિ, કેમ કે દેવ – મંદિરનું બાંધકામ અટક્યું; પણ રહેવાનાં મકાનો, હવેલીઓ, આલયો વગેરેનું બાંધકામ તો પુરાણી બાંધણી મુજબ ચાલુ રહ્યું.

છેક ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મકાનોના બાંધકામમાં ગવાક્ષ, અટારી, દ્વારશાખ, જાળિયાં, ડોકાબારી, ચંડકબારી, ઝરુખા, તોરણિયા, નવખનિયા, ત્રણખાનિયાં, વળગણિયો, ખીંટીઓ, ઝુમ્મરો વગેરે કોતરકામથી ભરપૂર થતાં અને આ બધાં કાષ્ઠમાંથી બનતાં.

ગુજરાતના સુથારો સાથે જ કાષ્ઠકામમાં સંઘેડાના આગમન પછી પારણાંઓ, પલંગો, ટાચકાઓ, ઓરણીયો, ખીટીઓ અને વિવિધ પ્રકારનાં રમકડાંના સર્જનમાં શુદ્ધ ગોળ પ્રકાર દાખલ થયા. ધીરે ધીરે સંઘેડાની સાથે સાથે સંઘાટમાં રંગકામ અને લાખકામ ભળ્યાં. આ કામ ભળતાં સુખાસનો, સાંગમાચીઓ, હીંડોળાઓ, સ્તંભો તથા રમકડાંઓમાં ઘણી જ શોભા વધી અને એ પ્રકારે તૈયાર થયેલ માલ પરદેશ પણ જવા લાગ્યો. મહુવા તથા સંખેડાનું ફર્નિચર તથા રમકડાંનું કાષ્ઠકામ દુનિયાભરમાં જાણીતું થયું છે. 

નેજવાંનાં શિલ્પો :

વાસુદેવહિંડી નામના ગ્રંથમાં કાષ્ઠશિલ્પની એક સુંદર કથા સંગ્રહાઈ છે. તેના આધારે ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં કાષ્ઠશિલ્પનો પ્રચાર ભારતમાં વ્યાપક બન્યો હોવાનું જાણી શકાય છે. આ પરંપરા પણ ગુજરાતમાં ઊતરી આવી હતી. સોમનાથનું પ્રાચીન મંદિર સૌપ્રથમ કાષ્ઠનું જ બનાવવામાં આવ્યું. શેત્રુંજય તેમજ બીજા અનેક તીર્થસ્થળોમાં કાષ્ઠનાં અનેક નાનાંમોટાં મંદિરો બનાવવામાં આવ્યાં હતાં.

નેજવાં આ વિષયના અભ્યાસીઓને સંસ્કૃતિ અને કલાની દૃષ્ટિએ અનેક માહિતીઓ પૂરી પાડે છે. નેજવાં એ ઘર માટે જરૂરિયાતની વસ્તુ ગણાય છે. પરિણામે પ્રાચીન કલાવૈભવને સાચવીને બેઠેલા આવા નેજવાં આજે ગુજરાતને ગામડે ગામડે જોવા મળે છે. અહીં લોકો આજે પણ બહુધા પૂર્વ – પશ્ચિમના પ્રવેશદ્વાર બનાવે છે. ઘરને બે કે ત્રણ પડાળ હોય છે. જ્યાં આ પડાળનાં નેવાં પડે છે. એનાથી બે હાથ દૂર મોતિયું આવે છે. મોતિયા નીચે પથ્થરની કે કાષ્ઠની કંડારેલી કુંભીમાં નકશીકામ કરેલી સુંદર મજાની થાંભલી હોય છે. થાંભલી અને કુંભી વચ્ચે લાકડાની ગોળ ઈંઢોણી ગોઠવી હોય છે. કાટખૂણે નેજવું મૂકવામાં આવે છે. જેટલી થાંભલીઓ હોય એટલાં નેજવાં મૂકવામાં આવે છે. નેજવાંથી ઓસરીની શોભા અનુપમ બને છે. એક ઘરમાં પાંચ – પંદરથી માંડીને સિત્તેરથી એંશી જેટલાં નેજવાં જોવા મળે છે.

ધાર્મિક લોકસંસ્કારોની યાદ આપતા કાષ્ઠના ચબૂતરાઓની છત્રી નીચે ગોળ ફરતાં નેજવાં મૂકાય છે. ગામડાંઓમાં બારસાખ અને બારીબારણાં વગેરેનું તમામ કાષ્ઠકામ સુથારો જ કરે છે. જરૂર જોગ નેજવાં પણ એજ ઘડે છે. આવાં નેજવાં સાગ, સીસમ કે હળદરવાના લાકડામાંથી બનાવવામાં આવે છે.

પ્રાચીનકાળમાં નેજવાં ઉપર સુંદર નકશી કોતરાતી. એવા નેજવામાં વિધ્નનિવારક દૂંદાળાદેવ ગણેશ, બંસરી વગાડીને ગાયો ચરાવતો ને ગોપીઓને ઘેલી બનાવીને નચાવતો કનૈયો, હાથમાં પર્વત ઊંચકીને હડી કાઢતા હનુમાન, કૂકડા પર બેઠેલી બહુચરમાતા વગેરે કંડારાયાં હોય છે. દેવસૃષ્ટિ ઉપરાંત પશુસૃષ્ટિમાં છલાંગ મારતો સિંહ, ઘૂરકતો વાઘ, દોડતું હરણ, નાચતો વાનર વગેરે પણ કાષ્ઠશિલ્પમાં કંડારાયેલ નજરે પડે છે. એમાં માનવસૃષ્ટિયે આલેખાય છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને ઊભેલો યોદ્ધો, રાજાનો દરબાર કે રાજસવારી, ભૂંગળ વગાડતો ભવાયો કે નગારું વગાડતો માણસ વગેરે પણ નેજવામાં આલેખાયેલા નજરે પડે છે.