ગુજરાતની ચિત્રકલા

            ૧૯૧૪માં હાજી મહમદ અલારખિયા શિવજીએ ‘વીસમી સદી’ માસિક શરૂ કર્યું. તેમાં ત્રિરંગી ચિત્રો છપાતાં અને ચિત્રકારનું નામ લખાતું. કોલકાતામાં પ્રમોદકુમાર ચેટરજી દ્વારા ‘મોર્ડન રિવ્યૂ’ નામનું સચિત્ર સામયિક શરૂ થયું. ગુજરાતનાં ‘કુમાર’ અને ‘નવચેતન’ જેવાં સચિત્ર માસિકો શરૂ થયાં. ‘કુમાર’માં રવિશંકર રાવળ અને બચુભાઈ રાવત સાથે હોવાથી વિશ્વના જુદા જુદા દેશોની પ્રાચીન, મધ્ય – યુગીન, અર્વાચીન કલા વિશે ખૂબ લખાયું અને તે સમયના ચિત્રકારોની અસંખ્ય કૃતિઓ તેમાં છપાઈ.

            ૧૮૯૦માં બોમ્બે આર્ટ સોસાયટીની સ્થાપના થઈ. વડોદરાના કલાભવનની સ્થાપના ૧૮૯૦માં થઈ. તેમાં સોમાલાલ શાહ ભારતીય લઢણથી તૈયાર થયા. વડોદરાના કીર્તિમંદિરની છતના તાળવે બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝે ફ્રેસ્કો આલેખન કર્યું.

            આ અરસામાં ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણમાં ચિત્ર અને સંગીતને સ્થાન મળ્યું. ત્યાંથી ગુજરાતને કનુ દેસાઈ અને છગનલાલ જાદવ મળ્યા. તેઓ રવિશંકર સાથે જોડાયા બાદ રવિભાઈએ (પોતાના રહેઠાણમાં જ) શરૂ કરેલ ‘ગુજરાત કલાસંઘ’માં ઘણા ચિત્રકારો તૈયાર થયા. તેમાં યજ્ઞેશ્વર શુક્લ, બંસીલાલ વર્મા (ચકોર), ‘ચંદ્ર’ ત્રિવેદી, ભીખુ આચાર્ય, ત્રિગુણાતીત પંચોલી વગેરે હતા. હીરાલાલ ખત્રી તસવીર – ચિત્રકાર હતા, જેઓ સ્વતંત્ર રીતે કામ કરતા હતા. તેમણે ચંદુભાઈ શાહના પ્રોત્સાહનથી ગાંધી આશ્રમમાં જઈને ગાંધી ચિત્રાવલિ તૈયાર કરી હતી.

            સોમલાલ શાહ ભાવનગરમાં જઈ વસ્યા અને ત્યાં તેમણે એક પરિપાટી તૈયાર કરી; જેમાં સૌરાષ્ટ્રનું લોકજીવન, કૃષ્ણ અને પૌરાણિક ચિત્રો થયાં. તેમના તૈયાર કરેલા ચિત્રકારોમાં ખોડીદાસ પરમાર, જ્યોતિ ભટ્ટ, વિનય ત્રિવેદી અને માર્કણ્ડ ભટ્ટ હતા. જગુભાઈ શાહની નિશ્રામાં પણ અનેક કલાકારો તૈયાર થયા. જગુભાઈ અદ્યતન કલાશૈલી તરફ વળ્યા અને તેમણે દિલ્હીની શૈક્ષણિક સંસ્થા જામિયા મિલિયામાં કલા – શિક્ષણકાર તરીકે કામ કર્યું.

            સૌરાષ્ટ્રના બીજા ખ્યાતનામ ચિત્રકારોમાં કુમાર મંગલસિંહજી, સનત ઠાકર, વનરાજ માળી, મનહર મકવાણા, એમ. નકુલ, વૃંદાવન સોલંકી, બળવંત જોષી, માર્કણ્ડ ભટ્ટ ગણાય. માર્કણ્ડ ભટ્ટે વડોદરા યુનિવર્સિટીમાં ‘ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ’ના ઘડતરમાં પાયાની કામગીરી બજાવી. રાજકોટમાં અગ્રણી ચિત્રકાર મગનલાલ ત્રિવેદી હતા.

            રવિશંકર રાવળ અને દેવીપ્રસાદરાય ચૌધરીના શિષ્ય રસિકલાલ પરીખ શેઠ સી.એન. કોલેજ ઓફ આર્ટસના આચાર્ય થયા. તેમના શિષ્યોમાં દશરથ પટેલ, શાંતિ શાહ, નટવર ભાવસાર, છગન મિસ્ત્રી, શરદ પટેલ, નટુભાઈ પરીખ, નાગજી ચૌહાણ જેવા ચિત્રકારો તૈયાર થયા. નટવર ભાવસાર ન્યૂયોર્કમાં ચિત્રકાર તરીકે સ્થિર થયા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ નામના મેળવી. પિરાજી સાગરા, ઈશ્વર સાગરા, શાંતિ પંચાલ, રશ્મિ ક્ષત્રિય, રમણીક ભાવસાર, કે. આર. યાદવ, બાલકૃષ્ણ પટેલ, તૂફાન રફાઈ, અમૃત પટેલ, નવીન ઢગટ, ગિરીશ ખત્રી, માનસિંગ છારા, ઊર્મિ પરીખ, જી.ડી. પરમાર, અનંત મહેતા, મહેન્દ્ર કડિયા, ભાનુ શાહ, અમિત અંબાલાલ, પ્રેમ રાવલ, અજિત દેસાઈ, અશ્વિન મોદી, મનુ પારેખ, મનુ પરીખ, નાગજી પ્રજાપતિ, વિનોદ પારુલ, હકુ શાહ જેવા અમદાવાદના કલાકારોએ અદ્યતન કલાપ્રવાહો સાથે તાલ મિલાવ્યો છે. એસ્થર ડેવિડે તેમજ પનુભાઈ ભટ્ટે અને સુરેશભાઈ શેઠે કલાવિવેચનનું કાર્ય કર્યું. ૧૯૮૩માં અમદાવાદમાં સ્થપાયેલ ‘કનોરિયા સેન્ટર ફોર આર્ટ’ પણ કલાકારોને સ્ટુડિયોની સવલત આપે છે.

            વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કલાશાળામાંથી અનેક શક્તિશાળી વિદ્યાર્થીઓ બહાર આવ્યા. તેના આદ્યસ્થાપકો અને વિચારકોમાં  હંસા મહેતા, માર્કણ્ડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને વી.આર. આંબેરકર હતા. ૧૯૫૦માં તેની સ્થાપના થઈ. એન.એસ.બેન્દ્રેએ ચિત્રકલાનો વિભાગ ખૂબ વિકસાવ્યો. ત્યાં ચિત્રકાર જયરામ પટેલ કલા – અધ્યાપક તરીકે આવ્યા. શાંતિ દવે, જ્યોતિ ભટ્ટ, વિનોદ શાહ, ગુલામ મોહંમદ શેખ, ભૂપેન ખખ્ખર, જ્યંત પરીખ, નસરીન મહંમદી, કુમુદ પટેલ, પ્રભા ડોંગરે, વી.આર. પટેલ, રમેશ પંડ્યા, ધ્રુવ મિસ્ત્રી, વાસુદેવ અકીથમ, નયના દલાલ, નીલિમા શેખ, જ્યોતિ પંડ્યા, હિમ્મત શાહ, ગિરીશ ખત્રી, રતન પારીમૂ, હકુ શાહ વગેરે જેવા ચિત્રકારો અને શિલ્પાકારોનું અહીં ઘડતર થયું. ૧૯૭૦ અને ’૮૦ના દાયકામાં વડોદરાના ભૂપેન ખખ્ખર અને ગુલામ મોહમ્મદ શેખ જેવા કલાકારોએ કથાત્મક (narrative) ચિત્રશૈલીનો પુનરુદય કર્યો અને તેના પડઘા ભારતભરમાં પડ્યા.

            સૂરતમાં ચિત્રકારો ભાનુ સ્માર્ત અને વાસુદેવ સ્માર્તનો ફાળો નોંધપાત્ર છે.

૧૯૨૪ રવિશંકર રાવળ

            કુમાર માસિકની સ્થાપના અમદાવાદમાં ૧૯૨૪માં કલાગુરુ રવિશંકર રાવળે કરી. તેમણે તેને આવતી કાલના નાગરિકોનું માસિક કહ્યું. ૧૯૪૨માં નાણાંભીડના કારણે તે બંધ પડે તેવા સંજોગો સર્જાયા. બચુભાઈ રાવતે તેના સંપાદન અને મુદ્રણની ઝીણી ઝીણી બાબતો પાછળ ભારે શ્રમ લીધો. કુમારના ચિત્રકાર – સંપાદક બિહારીલાલ ટાંકે તેનું ધોરણ ઊંચા સ્તરે ટકાવી રાખવામાં ફાળો આપ્યો. ૧૯૪૪થી વર્ષના શ્રેષ્ઠ લેખકને અપાતા “કુમાર ચંદ્રક”ની પણ પ્રતિષ્ઠા કરી.

            બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, ફતેહસિંહ મ્યુઝિયમ, લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, કેલિકો મ્યુઝિયમ ઈત્યાદિમાં ગુજરાતની બહારની મહત્ત્વની કલા – કારીગરીના નમૂના સચવાયા છે. અમદાવાદનું રવિશંકર રાવળ કલાભવન (ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી સંચાલિત), કર્ણાવતી ગેલેરી, હર્વિટ્ઝ ગેલેરીઓ વગેરે ચિત્રકલાનાં પ્રદર્શનો કરતી રહે છે. એમ. એફ. હુસૈનની કલાકૃતિઓ ધરાવતી ‘અમદાવાદની ગુફા’ (જૂનું નામ ‘હુસૈન દોશી ગુફા’)ની ૧૯૯૪માં થયેલી સ્થાપના પણ મહત્ત્વની ઘટના છે. હુસેને પોતાના બાળપણનાં વર્ષો ઉપરાંત પુખ્ત જીવનનો ઘણો સમય પોતાના મોસાળના નગર અમદાવાદમાં વિતાવ્યો હતો.

            ૧૯૬૮માં સ્થપાયેલી નેશનલ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ (N.I.D. – National Institute Of Design) ડિઝાઈન માટેની શૈક્ષણિક સંસ્થા છે.

            ૧૮૮૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ રાજા રવિવર્માને ભાવનગર બોલાવ્યા. તેમણે ‘વિશ્વામિત્ર મેનકા’, ‘દીપદર્શન’ વગેરે ચિત્રો કરાવ્યાં. એ પછી એમના સાનિધ્યમાં રહેનાર છગનભાઈ રાઠોડ આ શૈલીમાં ૧૯૦૦ની આખર સુધી કામ કરતા રહ્યા. વાસુદેવ મહારાજે (અથવા દેવમહારાજે) રવિવર્માનાં પૂરા કદનાં ચિત્રોની નકલો કરી. હરગોવિંદદાસ અને ત્રિભુવન પટેલ વગેરે રવિ વર્માની શૈલીમાં કામ કરતા હતા. રવિશંકર રાવળે ૧૯૧૯માં અમદાવાદમાં સ્ટુડિયો કર્યો. તે વેળા ધોલેરાના છોટાલાલ અંબાલાલ તથા અંબાલાલ જોષી ભાલના લેન્ડસ્કેપ અને તળપદ લોકોના સ્કેચ કરતા. વાસુદેવ દવેના કામથી રવિશંકર રાવળ પ્રભાવિત થયેલા.

            ગુજરાતની ચિત્રકલામાં યુવા પેઢીમાં નબીબખ્શ મન્સૂરી, ભાવિન વૈષ્ણવ, અપૂર્વ દેસાઈ, રાજેશ સાગરા, નિકિતા શાહ, જગદીપ સ્માર્ત, અમિતાભ મડિયા, હિંડોલ બ્રહ્મભટ્ટ, શેફાલી શાહ, તુષાર કામ્બલેનાં નામ તરત જ નજરે ચઢે છે.

            અમેરિકામાં રહેતા ગુજરાતી કલાકાર નટવર ભાવસાર અમૂર્ત શૈલીના જાણીતા ચિત્રકાર છે. અમેરિકામાં વસતા કાર્તિક ત્રિવેદીએ લેન્ડસ્કેપ ચીતર્યાં છે. ઈલા શાહ ચિત્ર અને શિલ્પનાં નામાંકિત કલાકાર છે. ઈલાબહેન નેશનલ એસોસિયેશન ઓફ વુમન આર્ટિસ્ટના કાર્યવાહકપદે રહી અગત્યની કામગીરી સંભાળે છે. શરૂઆતમાં ગુજરાત રાજયના નેજા હેઠળ સ્થપાયેલી અને હવે સ્વાયત્ત બનેલી ગુજરાત લલિત કલા અકાદમીની બહુવિધ કલાપ્રવૃત્તિઓ પણ વિકાસપ્રેરક નીવડી છે. 

લોક ચિત્રકલા

લોથલ :           લોથલમાંથી કોઈ અખંડ ઈમારત કે દીવાલ મળી નથી. તેથી એ કાળે ભીંત પર ચિત્રાંકન થતાં કે નહીં તે જાણી શકાયું નથી. માટીપાત્રો પર અંકિત ચિત્રામણ જોતાં લાગે છે કે એ કાળે તળપદ લોકકલાનો ઘણો વિકાસ થયો હશે. બીજા પ્રકારની ચિત્ર પરિપાટી આછા બદામી રંગનાં વાસણો પર જોઈ શકાય છે. તેમાં બદામી પર ગેરુથી અને લાલ વાસણ પર કાળા રંગના કાથાથી ભૌમિતિક પ્રકારની તરેહો ચીતરાયેલી છે. આ તરેહોની રૂઢિઉતાર પરંપરા સુલતાનકાળના સ્થાપત્યની જાળીઓમાં તેમજ સૌરાષ્ટ્રના લોકભરતની ભાતોમાં જોઈ શકાય છે; જેમ કે, ‘ચોપાટડી ભાત’, ‘ધરાબંધી ભાત’ અને ત્રણ પાંખડીની ‘તીતડાં ભાત’ની પરંપરા ૫,૦૦૦ વર્ષની છે. આવા જ પ્રકારનાં ચિત્રિત પાત્રોનાં ઠીકરાં કચ્છના દેશળપર અને ધોળાવીરામાંથી પણ મળ્યાં છે. લોથલનાં માટીપાત્રો પર ચિત્રિત શોભનતરેહો ઉપરાંત એક જાણીતી લોકવારતાનું ચિત્રાંકન પણ થયેલું જોઈ શકાય છે. જેમાં ચતુર કાગડાએ અર્ધા ભરેલા પાત્રમાંથી કેવી ચતુરાઈ કરીને પાણી પીધું; ચતુર શિયાળે કેવી ચતુરાઈ કરીને બગલા પાસેથી માછલી મેળવી લીધી તે જોઈ શકાય છે.

            ઘરની ઓશરી – વંડી, ઢોરની કોઢ વગેરે સ્થળે માટીની ગાર લીંપીને પલાળેલી ખડી કે ગેરુથી રેખાપ્રધાન આલેખન કરે છે. જેમાં વલોણું, પાણિયારી, ગોપી, હાથી, વાઘ, મોર, પોપટ, આગગાડી, ફૂલઝાડ, ચાકલા વગેરેનું ચિત્રણ કરે છે. આલેખેલ પશુ તેમજ માનવ – આકૃતિ પ્રાગ – ગુફાકાલીન ચિત્રાંકન સાથે સરખાવી શકાય તેવાં છે.

કચ્છી ભીંતચિત્રો : –

            કચ્છમાં પણ સત્તરમી – અઢારમી સદીથી ભીંતચિત્રો અને પોથીચિત્રો થયાં છે. રાજસ્થાન અને તળપદ લોકકલાના અનુબંધમાંથી કચ્છી ચિત્રપરિપાટી નીપજી છે. તેને કમાંગરી શૈલી કહેવાય છે. અઢારમી સદીમાં કમાંગરી શૈલીનાં ભીંતચિત્રો ખૂબ થયાં છે, જેમાં તેરા દરબારગઢની જૂની મેડીનાં રેખાંકિત ચિત્રો, ગોરખનાથના ભંડારાનાં ચિત્રો, સુજાબાનો ડેલો – ભારાપર, તેરા દરબારગઢનાં રામાયણી ચિત્રો વગેરે છે.         

‘પીઠોરો’ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરાનું ભીંતચિત્ર :

            વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વિસ્તારના રાઠવા વગેરે આદિવાસીઓ ‘પીઠોરો’ ઓળેખે છે. પીઠોરોની આલેખન-પરંપરા ધાર્મિકતા સાથે જોડાયેલ છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આલેખન કરાય છે.

            ગુજરાતી આદિવાસીઓની તળપદ કલાનો નિખાર તેની પરિપાટી પીઠોરાની નકશીમાં જોઈ શકાય છે. ચિત્રણમાં આદિવાસીનાં દેવદેવીઓ, ગણપતિ, ઈન્દ્ર ઉપરાંત પ્રતીકો, હાથી, ઘોડા, વાઘ, કૂકડો, નાગ, જીવજંતુ, ઉપરાંત એક ખૂણામાં પ્રાણી સાથેનું પુરુષમૈથુન પણ ચિત્રિત થયું છે.

            વાંસની દીવાલ પર ગાર લીંપી, ધોળ કરીને ધર્મવિધિ પ્રમાણે બે – ત્રણ વ્યક્તિઓ એક દિવસમાં ‘પીઠોરો’નું આલેખન પૂરું કરે છે. સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો, કાળો વગેરે સપાટ રંગ પૂરીને ચિત્રાંકન પર સફેદ કણ માંડીને ચિત્ર પૂરું કરાય છે.

ભીલ પ્રજામાં પણ ચિત્રાલેખનની પરંપરા છે. તેઓ પોતાની ઝૂંપડીમાં દીવાલે લીંપણ કરીને વનવાસી જણની કલ્પનાનાં અભિજાત આલેખો માંડે છે. તેમાં સૂરજ, ચંદર અને નવલખ તારા એવા દિહત દેવનું આલેખન કરી, તળધરતીનાં પ્રાકૃતિક રૂપની સંજ્ઞાઓનું રેખા, બિંદુનાં પ્રતીકથી આલેખન કરે છે. 

ગુજરાતની રંગોળી કે ધૂલચિત્ર :

            ઘરઆંગણે કે ફળીચોકમાં ચીતરાતા ભૂમિશણગારને રંગોળી (રંગવલ્લરી) કે ‘રંઘોળી’ કહેવાય છે. રંગોળી ભૂમિ પર ચિરોડીની કોરી ભૂકી તેમજ ગુલાલ, કંકુથી આલેખાતી હોવાને લીધે તેને ‘ધૂલચિત્ર’ કહે છે. બંગાળમાં અલ્પના, રાજસ્થાનમાં માંડણા, તમિળનાડુમાં કોલમ, આંધ્રમાં મુગ્ગુલુ વગેરે રંગોળીના સ્થાનિક પ્રકારો છે. દ્રવિડ તેમજ આર્ય પ્રજામાં ભૂમિશણગારની પ્રથા હતી. રામાયણ, મહાભારત, ભાગવત વગેરેમાં રંગોળીના ઉલ્લેખો છે; પણ માનસોલ્લાસ તેમજ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં ૬૪ કલાઓમાં રંગોળીનું સ્થાન છે. રંગોળી ધર્મસ્થાનો તેમજ લૌકિક વ્રત – ઉત્સવોની ઉજવણીમાંથી પાંગરી રહી છે. દિવાળી કે માંગલિક પર્વ – અવસરે ઘરનું આંગણું જળથી છાંટીને, ગારથી લીંપીને તૈયાર કરી, તેના પર રંગોળીનું ચિત્રણ કરાય છે. રંગોળીને બે વિભાગમાં વહેંચી શકાય : એક ધાર્મિક વ્રતવિધિની અને બીજી ગૃહશોભનના સૌંદર્યદર્શી સંસ્કાર તરીકેની.

            સુશોભનની સૌંદર્યદર્શી રંગોળીના ચિત્રણ પ્રકારની મુખ્ય બે પરિપાટી છે. 

(૧) મીંડાં મૂકીને તેના પર ભૌમિતિક આકૃતિઓનાં સુશોભન કરી તેમાં ચિરોડીના વિવિધ રંગ પૂરીને ધોળી ચિરોડીની રેખાઓથી આકારને બાંધી લેવો તે.

(૨) મુક્ત હસ્તે વેલ, બુટ્ટી, પશુ, પંખી વગેરેનું ચિત્રણ કરી તેમાં ચિરોડી કે પલાળેલા માટીરંગો પૂરીને રંગોળી કરવી. સ્ત્રીઓ પોતાની સૂઝ – આવડત પ્રમાણે તે ચીતરે છે.

            સૌરાષ્ટ્ર તથા કચ્છની ખેડુ તેમજ લોકવાયા સ્ત્રીઓ દિવાળીના તહેવારમાં સીમની ધાનલક્ષ્મી ઘરમાં આવી ગઈ હોય, તેના વધામણે ઘરના ઉંબર પર લક્ષ્મીજીનાં પગલાં, માંગલિક સાથિયા, જુવારના દાણાની ઢગલીઓ, ખંપાળી અને સોપારી પર કંકુ નાખીને શુભાંકનના સાથિયા પૂરે છે.

                        ધાર્મિક તેમજ લૌકિક તહેવારોમાં બાળક અને ઢોરઢાંખરની શુભકામના માટે પાણિયારે કાકાબળિયા અને શ્રાવણી પાંચમના રોજ ગઢચોકમાં નાગનાગણ કે નવકુળ નાગ અને વીંછીનું આલેખન કરાય છે. સ્ત્રીઓના આલેખેલ પ્રતીકો માત્ર કંકુથી જ કરાય છે.

                        એમાં લાઠીના કુમાર મંગળસિંહ, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા વ્રજલાલ ભગત, વિનય ત્રિવેદી વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે. કુમાર મંગળસિંહ જૈનલઘુચિત્રોની પરંપરિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કરે છે. ખોડીદાસ પરમાર ભીંતચિત્રો, ભરત અને મોતીપરાણોની પરિપાટીની પરંપરાનું ચયન કરી સર્જન કરે છે; તો વિનય ત્રિવેદી લોકભરતની પરિપાટીથી ચિત્રોનું આલેખન કરે છે.

વધુ માહિતી  બીજા ભાગમાં…..

ગુજરાત તથા ભારતની કલા અને સાંસ્કૃતિક વારસો અંગેના પુસ્તકો ખરીદવા માટે અહી ક્લિક કરો